Western Times News

Gujarati News

મોડાસા-ધનસુરા રોડ પર માતેલા સાંઢની માફક ટ્રક કાર પર ફરી વળ્યો

 કરણપુર પ્રાથમિક શાળાના યુવાન શિક્ષકનું કમકમાટી ભર્યું મોત 

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં અકસ્માતની ઘટનાઓ નહિવત બની હતી લોકડાઉન અનલોક થતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જીલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં રમાણા ગામના અને ધનસુરા તાલુકાની કરણપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આશાસ્પદ યુવાન શિક્ષક ગોપલ ભાઈ ભરવાડની કારને રહિયોલ રેલવે ફાટક નજીક ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા કારના આગળના ભાગનો કડૂચાલો વળી જતા કારચાલક શિક્ષકનું કારની અંદર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

અકસ્માતની ઘટનાના પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભરવાડ સમાજના આશાસ્પદ યુવાન શિક્ષકનું અકસ્માતમાં મોત નિપજતાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના અગ્રણીઓ દવાખાને પહોચ્યાં હતા

પ્રાપ્ત માહિતી મુજબ,ધનસુરા તાલુકાના રમાણા ગામના અને કરણપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગોપાલ ભાઈ ભરવાડ ધનસુરામાં બેંકના કામકાજ અર્થે મોડાસા થી ધનસુરા તરફ કાર લઈ નીકળ્યા હતા રહિયોલ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધનસુરા તરફથી માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક-કન્ટેનરે કારને સામેથી ધડાકાભેર ટક્કર મારતાં કારના આગળની બાજુના ફૂરચે ફુરચા નીકળી જતા કારચાલક ગોપાલભાઈ ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કારમાં જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતના પગલે ધનસુરા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કારમાં ફસાયેલ યુવકના મૃતદેહને ભારે જહેમત બાદ કારમાંથી બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

રમાણા ગામના આશાસ્પદ યુવાન શિક્ષક ગોપાલ ભાઈ ભરવાડનું અકસ્માતમાં મોત નિપજતા ભરવાડ સમાજ, ધનસુરા પંથક અને શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.