Western Times News

Gujarati News

ફિલ્મ કલાકારો ચીનની ચીજવસ્તુઓની જાહેરાતો કરવાનું બંધ કરે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીને ભારતીય સેનાના જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો કરતા થયેલી ઝપાઝપીમાં ભારતીય સેનાના ર૦ જવાનો શહીદ થયા હતા. ચીની સૈનિકોને જબરજસ્ત ટક્કર આપતા જવાનોએ તેમને એક ઈંચ અંદર ઘુસવા દીધા નહોતા. ભારતીય જવાનો સાથે થયેલા આવા કાયરતાપૂર્ણ કૃત્ય સામે દેશની જનતામાં ભારે આક્રોશ છવાઈ ગયો છે. અને ચીનની બનાવટની તમામ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રજાની સાથે વેપારીઓ-વહેપારી એસોસીએશનો મેદાનમાં આવ્યા છે. દેશની જનતા ચીનને પાઠ ભણાવવા માંગે છે.

અમદાવાદ જેવા મેગાસીટીમાં તો વેપારીઓએ પ૦૦ ચીજવસ્તુઓની યાદી પણ તૈયાર કરી લીધી છે. આગામી દિવસોમાં આ ચીજવસ્તુઓ ની નવી આયાત બંધ કરી દેવાય એવી શક્યતાઓ છે. મૂળ મુદ્દે ચીન સામે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું શસ્ત્ર  ઉગામવામાં આવી રહ્યુ છે. ચીનને પાઠ ભણાવવા નાગરીકો- વેપારીઓના આવ્યા પછી હવે વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવી ગયા છે.

એબીવીપી, (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) એ પાલડી ખાતે દેખાવો યોજ્યો હતો અને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા નાગરીકોને અપીલ કરી હતી. જ્યારે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા)એ પણ વડોદરા ખાતે ઉગ્ર દેખાવો કરીને ચીન સામે કાર્યવાહી કરવા અને તેની આયાત થતી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવાની વાત સાથે ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવા જણાવ્યુ હતુ.

દેશમાં ચીનની ચીજવસ્તુઓની હોળી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શહેરોમાં ગામડાઓમાં લોક જાગૃતિ આ મામલે આવી રહી છે. જાણે કે ધીમે ધીમે જુવાળ ઉભો થઈ રહ્યો છે. અમદાવાદ-વડોદરા, સુરત જેવા શહેરોની સાથે સામે ગુજરાતના ગામડાઓમાં પણ ચીન સામે સ્વયંભૂ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઠેર ઠેર ચાઈનીઝ બનાવટની વસ્તુઓની હોળી, તોડફોડ કરાઈ રહી છે. ચીન સામે લોકોનો આક્રોશ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ચીન સાથેની મિત્રતા ભારતને હંમેશા હાનિ પહોચાડી રહી છે.

દરમ્યાનમાં ચીનની ચીજ વસ્તુઓની જાહેરાત કરતા ટોચના ફિલ્મી કલાકારોને પણ ચીનની બનાવટની ચીજવસ્તુઓની જાહેરાતમાંથી હટી જઈને તેનો બહિષ્કાર કરવાની માંગ બુલંદ બની રહી છે. આજકાલ સોશ્યલ મીડીયાના જમાનામાં લોકો પોતાનો બળાપો કાઢી રહ્યા છે. જનઆક્રોશ જબરજસ્ત છે. આ અગાઉ પાકિસ્તાને પુલવામાં કાયરતાપૂર્ણ કૃત્ય કર્યુ હતુ ત્યારે પણ લોકજુવાળ ઉભો થયો હતો. હવે ચીને ભારતના જવાનો સાથે સહી ન શકાય એવું કાયરતાપૂર્ણ કૃત્ય કરતા દેશવાસીઓ ગુસ્સામાં છે અને ચીનને પાઠ ભણાવવા તેની તમામા ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાના મૂડમાં આવી ગયા હોય એવું લાગી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.