Western Times News

Gujarati News

મનરેગા યોજના થકી જળ સંચયના કામો ગ્રામ્ય જીવનને ધબકતું રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરશે

મનરેગા યોજનાના કામો ગ્રામ્યસ્તરે રોજગારીની વિપુલ તકો પૂરી પાડશે : મોચીવાડીયા ગામનું પોયણા તળાવ ઉંડુ થતાં ૪૨.૮૫ લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે  : શ્રમિકોને અત્યાર સુધી ૪૯૯૫ માનવદિનની રોજગારી પૂરી પડાઈ : મનરેગા યોજના દ્વારા જળસંચયના કામો થકી કોરોના કાળમાં પણ ઘર આંગણે મળતી રોજગારી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે

લુણાવાડા: રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વસતા શ્રમિક પરિવારો માટે સંવેદનશીલતા સાથે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવાનો સંવેદનાસભર નિર્ણય કર્યો જેના થકી સુજલામ સુફલામ જળસંચય યોજના-૨૦૨૦ હેઠળ જળસંચયના જળસંગ્રહના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજના થકી મહેનત કશ લોકો માટે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા માટે જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજે રોજનું કમાઇને જીવન નિર્વાહ ચલાવતા શ્રમિક પરિવારને પૂરતુ કામ અને વેતન મળી રહે તે કોરોનાના વિકટ સંજોગોમાં પણ ઘરઆંગણે રોજગારી મળતાં તે શ્રમિક પરિવારો માટે કોરોના કાળમાં આશીર્વાદરૂપ પુરવાર થશે.

સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મનરેગા થકી લુણાવાડા તાલુકાના મોચીવાડીયા ગામે પોયણા તળાવને ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. અત્યાર સુધી આ તળાવમાંથી ૪૨૮૫ લાખ ઘનમીટર માટી ખોદીને કાઢવામાં આવી છે. જેનાથી આ તળાવમાં ૪૨.૮૫ લાખ લીટર થી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજિત ખર્ચ રૂ. ૧૩.૯૬ લાખનો થશે. જેમાંથી અત્યાર સુધી રૂપિયા ૧૦.૦૭ લાખનો ખર્ચ થયેલ છે. જેના થકી જોબ કાર્ડ ધરાવતાં ૨૦૦ શ્રમિકોને ૪૯૯૫ જેટલા માનવદિનની રોજગારી ઘેર બેઠા પૂરી પાડી કોરોના કહેર વચ્ચે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને જીવન ગુજરાન ચલાવવા માટે રાહત સમાન પુરવાર થશે.

આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન કોરોના સંદર્ભે પુરતી તકેદારી રાખવામાં આવે છે. શ્રમિકોને સામાજીક અંતર જાળવી ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી તેમજ અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેથી શ્રમિકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય સાથે-સાથે કામના સ્થળે શ્રમિકોને ગરમીમાં રાહત મળે તે માટે છાંયડો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોરોનાની સાવચેતી અંગે શ્રમિકો માટે લેવાતા તકેદારીના પગલાંના નિરીક્ષણ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. પટેલ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

મનરેગાના જળસંચયના કામો અંગે પ્રતિભાવ આપતાં ગામના સરપંચશ્રી જયંતીભાઈ કહે છે કે, કોરોના સંકટને કારણે જરૂરિયાત મંદ શ્રમિકોને ઘરે આંગણે રોજગારી મળી રહે છે. તેમજ તેમનું વેતન સીધે સીધું બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામનું તળાવ ઉંડુ થતા પહેલા કરતા તળાવમાં જળસંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. જેથી અમારા ગામમાં આવેલ કુવાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચા આવશે, બારેમાસ ખેતી માટે પાણી મળી રહેશે તેમજ પશુ માટે અને ઘર વપરાશ માટે પાણી મળી રહેશે. એટલે બારેમાસ ગામને પાણીની તકલીફ નહીં પડે અને શિયાળો- ઉનાળુ ખેતી માટે પાણી મળી રહેશે. પાણી થકી ખેતી વિકાસ સારો થતાં ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેથી જ મનરેગાના કામો ગ્રામ્ય જીવનને મજબૂત કરવામાં મહત્વનો ફાળો ભજવશે.

આમ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિકોને ગામના આંગણે રોજગારી મળતા જીવન નિર્વાહ કરવામાં કોરોનાના સંકટ કાળમાં પણ સંવેદનશીલ સરકારના નિર્ણય થકી રોજગારી મળતા તે ગ્રામ્ય જીવનને ધબકતું રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.