Western Times News

Gujarati News

સીજી રોડ પરની ૧૦% દુકાનોના પાટિયા પડયા

Files Photo

અમદાવાદ: ‘આ દુકાન ભાડે આપવાની છે’ આ લખાણ લખેલું બોર્ડ સીજી રોડ પર આવેલા દશકા જૂના કોમ્પ્લેક્સ પર લગાવવામાં આવ્યું છે. એક સમયે પગરખાં વેચતો આ સ્ટોર બંધ થવાની અણીએ છે. દુકાન કાયમ માટે બંધ થશે કે થોડા સમય માટે એ તો આવનારો સમય જ કહેશે તેમ દુકાન માલિકે કહ્યું. ગ્રાહકોની ઘટતી સંખ્યા અને ઓછા વેચાણને કારણે શહેર આખામાં રિટેલરોની રેવન્યૂ પર અસર થઈ છે. સીજી રોડ રિટેલર્સ અસોસિએશનના અંદાજ પ્રમાણે, સીજી રોડ પર આવેલી ઓછામાં ઓછી ૧૦ ટકા દુકાનોના માલિકે દુકાન બંધ કરી દીધી છે.

સીજી રોડ રિટેલર્સ અસોસિએશનના ઉપપ્રમુખ વસંત તિરોડકરે કહ્યું, “સંક્રમિત થવાના ડરે લોકો ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળતા ડરે છે. આ સિવાય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા પણ ગ્રાહકોની ઓછી સંખ્યાનું એક કારણ છે. મોટાભાગના લોકોએ નોકરી-ધંધે જવાનું શરૂ કરી દીધું છે ત્યારે દિવસ દરમિયાન આવતા ગ્રાહકોની સંખ્યા જૂજ છે અને તેના કારણે રેવન્યૂ નીચે ગઈ છે. બીજી તરફ ભાડું અને અન્ય ખર્ચા પોસાય તેમ ના હોવાથી ઘણાં વેપારીઓને દુકાન બંધ કરવાની ફરજ પડી છે.”

પંચવટી સર્કલથી સ્ટેડિયમ ચાર રસ્તા સુધી સીજી રોડ ઓછામાં ઓછી ૧૫૦૦ દુકાનો અને શો રૂમ આવેલા છે. જેમાં કપડાં, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક્સ, પગરખાં, બેગ્સ, રમકડાં, હોમ ડેકોર સહિતની વસ્તુઓનું વેચાણ કરાય છે. તિરોડકરે કહ્યું, “રેવન્યૂ ઘટીને ૨૦ ટકા સુધી આવી ગઈ છે અને જો વેચાણ આ રીતે જ નીચું રહ્યું તો વધુ દુકાનો બંધ થઈ જશે.” ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, ઓફિસો, દુકાનો, શો રૂમના ભાડા ૨૫,૦૦૦થી ત્રણ લાખ રૂપિયાની વચ્ચે હોય છે, જે લોકેશન અને સાઈઝ પર આધારિત છે.

અમદાવાદ વેપારી મહાજન ના મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ કહ્યું, “લોકડાઉનના બે મહિના સુધી દુકાનો સદંતર બંધ રહી જેના કારણે રેવન્યૂને ફટકો પડયો અને ભાડું ચડતું ગયું. જેના કારણે કેશફ્‌લોની સમસ્યા થઈ.ઘણી કપડાંની દુકાનો તેમજ જ્વેલર્સની ઓફિસો બંધ થઈ છે. ભારણ ઓછું કરવા માટે શો રૂમ માલિકો સેલ્સ સ્ટાફની છટણી કરી રહ્યા છે તેવું પણ સાંભળવા મળ્યું છે.”

આ જ પ્રકારનો ટ્રેન્ડ શહેરભરમાં ચાલી રહ્યો હોવાનો અંદાજો છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (ય્્‌હ્લ)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, “માત્ર સીજી રોડ પર જ આ સ્થિતિ નથી. સિંધુ ભવન રોડ અને એસજી રોડ જેવા પોશ વિસ્તારોમાં આવેલા શો રૂમ, સ્ટોર્સ અને ખાણીપીણીની દુકાનોમાં પણ ‘ભાડે આપવાનું છે’ લખેલા બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ પરથી રિટેલ વેપારની સ્થિતિ જાણી શકાય છે જ્યાં માગ લોકડાઉન પહેલાથી જ ઓછી હતી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.