Western Times News

Latest News in Gujarat

AMTS દ્વારા કોન્ટ્રાક્ટરોને બંધ સમયનું પેમેન્ટ આપવામાં આવશે

File

ખાયા પિયા કુછ નહિ ગ્લાસ તોડા બારહ આના પ્રતિ કિલોમીટર ભાવના 30 ટકા પેમેન્ટ ચૂકવાશે.
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. તેમજ અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જેમાં જાહેર પરિવહન સેવાનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની સેવા 20 માર્ચથી બંધ કરી હતી જે અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ લગભગ 70 દિવસ બંધ રહી હતી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમ છતાં આ સંસ્થાઓ ઘ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું પેમેન્ટ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આને કહેવાય “ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આના”.
અમદાવાદમાં લોકડાઉન 01 ની શરૂઆતથી જ એ.એમ.ટી.એસ.ની સેવા બંધ કરવામાં આવી હતી. એ.એમ.ટી.એસ.ઘ્વારા રોજ 700 બસ રોડ પર મૂકવામાં આવતી હતી.જેમાં 630 બસ ખાનગી કોન્ટ્રાક્ટરોની છે. આ કોન્ટ્રાક્ટરોની બસ બે મહિના કરતા વધુ સમય બંધ રહી હોવા છતાં તેમને પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રતિ કિલોમીટર ના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા પેમેન્ટ આપવામાં આવશે. ખાનગી ઓપરેટરોના ઘ્વારા ટેન્ડરમાં ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ આપવામાં આવે છે.
જેમાં કેપિટલ , બળતણ અને પગાર ખર્ચ નો સમાવેશ થાય છે. બે મહિના બસો બંધ રહી હોવાથી ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા 65 ટકાના 50 ટકા લેખે 32.5 ટકા રકમ ચુકવવાની થાય છે. પરંતુ સંસ્થાએ 30 ટકા પેમેન્ટ આપવા નિર્ણય કર્યો છે. આ પેમેન્ટ ચૂકવવા માટે સંસ્થાની તિજોરી પર 8 કરોડ નો બોજ આવશે.
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી સંસ્થાએ અંદાજે રૂપિયા 18 કરોડ ની આવક ગુમાવી છે. તેમ છતાં 30 ટકા પેમેન્ટ ચૂકવવા અંગે ચેરમેન અતુલ ભાવસારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બંદ દરમ્યાન પણ પગાર ચૂકવવામાં આવ્યા છે.ટેન્ડર શરત મુજબ બળતણનું પેમેન્ટ આપવામાં આવ્યું નથી.પરંતુ પગારની ગણતરી કરીને તે મુજબ પેમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના કહેર દરમ્યાન દર્દીઓ તેમજ નર્સિંગ સ્ટાફ માટે પણ બસ સેવા યથાવત રહી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.