Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ક્ષય રોગને માત આપવા આરોગ્ય કર્મીઓની ગામે ગામ ઝુંબેશ

લોકડાઉનના બે મહિના દરમિયાન ૮૯૨ દર્દીઓ સહિત આ વર્ષે ૨૯૬૦ નવા દર્દીઓનું ક્ષય રોગ નિદાન મોબાઇલ વાન દ્વારા ત્વરિત રોગ નિદાન 

૧૯૭૭ આરોગ્યકર્મીઓની ૭૩૧ ટીમે લોકડાઉનમાં ક્ષય દર્દીઓની લીધી વિશેષ કાળજી, ૩૫૦૦ દર્દીઓને નિયમિત ઘરે દવા પહોંચતી કરી

ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી ૬૯૬ ગામોમાં ૧૬૫૨૩ લોકોની ટીબીની તપાસ

દાહોદ: કોવીડ – ૧૯ થી થતા માનવમૃત્યુમાં ઇતર મહાવ્યાધિઓથી પીડાતા લોકોનું પ્રમાણ મોટું છે ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા લોકો આ મહામારીમાં ન સપડાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન ખાસ ઝુંબેશ અંતર્ગત ૩૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને નિયમિત રીતે ઘરે બેઠા દવા પહોંચતી કરી છે.

આ માટે ૧૯૭૭ આરોગ્યકર્મીઓની ૭૩૧ ટીમે ભારે જહેમત ઉઠાવી ગામે ગામ ઝુંબેશ આદરી હતી. લોકડાઉનના બે મહિના દરમિયાન ૮૯૨ દર્દીઓ સહિત આ વર્ષે ૨૯૬૦ નવા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી ૬૯૬ ગામોમાં ૧૬૫૨૩ લોકોની ટીબીની તપાસ કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજની રાહબરીમાં જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં ક્ષય રોગના કોઇ પણ દર્દીને કોરોના સંક્રમણ ન થાય એ માટે સખત પરીશ્રમ સાથે આયોજનબદ્ધ કામગીરી કરી હતી.

વર્ષ ૨૦૨૦માં (મે ૨૦૨૦ અંતિત) જાહેર ક્ષેત્રે ૨૫૪૭ અને ખાનગી ક્ષેત્રે ૯૧૯ એમ કુલ ૩૪૬૬ ક્ષય રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. જિલ્લાની વસ્તી પ્રમાણે પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય રોગનું પ્રમાણ ૩૯૯ વ્યક્તિનું છે. જિલ્લામાં ક્ષય રોગના દર્દીઓના સંપૂર્ણ સ્વસ્થ થવાનું પ્રમાણ જોઇએ તો વર્ષ ૨૦૧૫ માં ૮૮ ટકા, વર્ષ ૨૦૧૬માં ૯૦ ટકા, વર્ષ ૨૦૧૭ માં ૯૦ ટકા અને વર્ષ ૨૦૧૮ માં ૯૩ ટકા છે. આમ મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવતા સંકલ્પબદ્ધ પ્રયાસોને પરીણામે દર વર્ષે ટીબીના દર્દીઓના સ્વસ્થ થવાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.