Western Times News

Gujarati News

વિજયવર્ગીય દ્વારા સરકારને પાડવાના પ્રયાસનો આરોપ

શેખાવતે વિજયવર્ગીય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાય તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ફરિયાદની ધમકી આપી
ભોપાલ,  મધ્યપ્રદેશ ભાજપના નેતા ભંવરસિંહ શેખાવતે શનિવારે ૨૦૧૮માં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર માટે પાર્ટીના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે ભાજપ નેતા શેખાવતે આરોપ લગાવ્યો કે એક વાર ફરીથી ત્રણ મહિના જૂની શિવરાજસિંહ ચૌહાણની સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યા છે. જો વિજયવર્ગીય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઈ તો તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ફરિયાદ કરશે.અહીંયા નોંધવું રહ્યું કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૯ સીટ મળી હતી અને કોંગ્રેસને ૧૧૪ સીટ મળી હતી. મધ્યપ્રદેશ રાજ્ય સહકારી બેંકના પુર્વ અધ્યક્ષ શેખાવત ધાર જિલ્લાના બદનાવર સીટથી ચૂંટણી હારી ગયા હતા.

બદનાવર એ ૨૪ સીટો પૈકીની એક છે જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપ નેતા શેખાવતે કહ્યું કે, કૈલાસવિજય વર્ગીયએ માલવા ક્ષેત્રમાં ભાજપના ૧૦ થી ૧૨ બાગી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જે ભાજપના સત્તાવાર ઉમેદવારના વોટોમાં કાપ કરતા હતા. જેના કારણે ભાજપની મધ્યપ્રદેશમાં હાર થઈ હતી. વિજયવર્ગીયે બાગી ઉમેદવારને ચૂંટણી લડવા પૈસા આપ્યા હતા. કૈલાસ વિજયવર્ગીય અતિ-મહત્વાકાંક્ષી છે અને મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે.

ભાજપના નેતા ભંવરસિંહ શેખાવતે કહ્યું કે હું વિજયવર્ગીયને રાજનીતિમાં લઈને આવ્યો, પરંતુ પછી મને તેમણે રાજનીતિમાં આઉટ કરી નાખ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ ધારાસભ્ય શેખાવતનો ગુસ્સો એટલા માટે ફૂટ્યો છે કે પાર્ટીમાં રાજેશ અગ્રવાલની ઘરવાપસી થઈ છે. ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં રાજેશ અગ્રવાલ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા

અને બદનાવર સીટથી અગ્રવાલને ૩૦ હજાર વોટ મળ્યા હતા, ત્યારબાદ પાર્ટીએ તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. ભાજપ નેતા શેખાવતે કહ્યું કે ૨૦૧૮માં વિજયવર્ગીય ૩૫ સીટના પ્રભારી હતા અને તેમણે એ વલણ અપનાવ્યું હતું કે પાર્ટીને ઓછામાં ઓછી સીટ મળે, જેથી છેલ્લા ૧૩ વર્ષથી રાજ્યમાં મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહને હટાવી શકાય. વિજયવર્ગીય પર ભ્રષ્ટ રીતે પૈસા બનાવવાનો આરોપ લગાવતા શેખાવતે કહ્યું કે તેમણે પાર્ટીના પૈસા બાગી અપક્ષ ઉમેદવારોને આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.