Western Times News

Gujarati News

ભારતને હથિયારો પૂરા પાડવા મિત્ર દેશો સક્રિય

Files Photo

નવીદિલ્હી, પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ૧૫ જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બંને સેનાઓ ગલવાન ઘાટીમાં સામસામે આવી ગઈ છે. યુદ્ધની સ્થિતીને જોતાં ભારતે લદાખ સરહદ પર પોતાના સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દીધી છે. ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફ્રાન્સે એક તરફ જ્યાં આવતા મહિને રાફેલ ફાઇટર પ્લેન આપવાનો વાયદો કર્યો છે

તો બીજી તરફ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપી રહ્યું છે. આવી જ રીતે અમેરિકા પાસેથી ભારતને ટૂંક સમયમાં તોપમાં ઉપયોગમાં લેવાતો દારૂગોળો આપવામાં આવશે, જ્યારે રશિયાએ પણ ભારતને આધુનિક હથિયાર અને દારૂગોળો આપવાનો વાયદો કર્યો છે. નોંધનીય છે કે રશિયા એક બિલિયન ડાલર એટલે કે ૭૫૬૦ કરોડ રૂપિયાના દારૂગોળાની સપ્લાય કરવા જઈ રહ્યું છે.

ચીન સાથે વધેલા તણાવ બાદ દિલ્હીમાં તમામ દેશોની સાથે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન તેની પર સહમતિ સધાઈ છે. નોંધનીય છે કે પૂર્વ લદાખમાં ચીનની સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને જોતાં કેન્દ્ર સરકાર તરફથી સશર્સ્ દળોને ઇમરજન્સી નાણાકીય અધિકાર પહેલા જ આપવામાં આવી ચૂક્યા છે.

લાંબા અંતર સુધી હવાથી હવામાં માર કરનારી મિસાઇલોથી સજ્જ અત્યાધુનિક રાફેલ પ્લેનની પહેલી ખેપ ૨૭ જુલાઈ સુધી ભારત પહોંચવાની આશા છે. તેના માટે ચાર ભારતીય પાયલટોને આ ફાઇટર પ્લેનને ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.ફ્રાન્સે ભારતને કહ્યું છે કે તેઓ રાફેલની પહેલી ખેપની સાથે ૮ વધારાના રાફેલ પણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રાન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે તમામ ૮ પ્લેન ઉડાન ભરવાના સર્ટિફિકેટ મેળવવાની ખૂબ નજીક છે.

તેઓએ આશા વ્યક્ત કરી છે કે તમામ પ્લેન ટૂંક સમયમાં અંબાલા એરબેઝ મોકલી દેવાશે. સૂત્રો મુજબ, ફ્રાન્સ આ પ્લેનમાં એટલું ઈંધણ ભરીને આપશે જેનાથી રાફેલ પ્લેન ક્યાંય રોકાયા વગર સીધું ભારત આવી શકશે.
બીજી તરફ, કારગિલ યુદ્ધમાં ભારતની મદદ કરનારા ઈઝરાયેલે પણ ચીનની સાથે યુદ્ધની સ્થિતિને જોતાં એર ડિફેન્સ સિસ્ટમ આપવાની વાત કહી છે. મળતી માહિતી મુજબ એર ડિફેન્સ સિસ્ટમ જેનું હજુ સુધી નામ નથી જણાવવામાં આવ્યું તે ટૂંક સમયમાં સરહદની રક્ષા માટે તૈનાત કરી દેવામાં આવશે. મૂળે, ચીને પોતાની સરહદ પર જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે,

ત્યારબાદ ભારતે પણ તેનો જવાબ આપવા માટે ઈઝરાયેલથી એર ડિફેન્સ ટૂંક સમયમાં આપવાની વાત કહી છે.ભારતના સૌથી નવા વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકા પહેલા જ ભારતને મહત્વપૂર્ણ ઇન્ટેલિજન્સ જાણકારી અને સેટેલાઇટ ઇમેજ મોકલવાનું કામ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે અમેરિકાએ ભારતને વહેલી તકે સહાયતાનો વાયદો કરતાં યુદ્ધની સ્થિતિમાં આવશ્યક હથિયાર અને દારૂગોળાની યાદી માંગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.