અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી, છેલ્લા સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ઘટી
        प्रतिकात्मक
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી ૬૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. જા કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
જા અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ૨૫૦ની નીચે આવી છે. શહેરમાં છેલ્લા ૭ દિવસમાં ૧૫૬૫ નવા કેસ નોંધાયા છે. આમ દરરોજના સરેરાશ ૨૨૩ જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે શહેરમાં ૨૧૮૪ કેસો નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે.
અમદાવાદમાં અત્યાર સુધી ૧૪૩૨ લોકોને આ જીવલેણ વાઈરસ ભરખી ચૂક્યો છે. જ્યારે શહેરમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦૭૧૬ પર પહોંચી ચૂકી છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ગઈકાલે ૬૨૪ નવા કોરોના પોઝિટિવ કેસ ઉમેરાવા સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩૧,૯૩૮ પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ૧૯ લોકોના મરણ નોંધાવા સાથે કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને ૧૮૨૭ પર પહોંચી ગયો છે.
