Western Times News

Latest News in Gujarat

કેનેડાના વિઝા અપાવવાના બહાને રૂ.૬ લાખની છેતરપીંડી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ હવે વિદેશી ફલાઈટો શરૂ થતાં વિદેશ જવા માટે ઈચ્છુક નાગરિકો એજન્ટોનો સંપર્ક સાધવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં  કેટલાક નાગરિકો સાથે વિઝા આપવાના બહાને છેતરપીંડી આચરવામાં આવી રહી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાના બહાને રૂ.૬ લાખની છેતરપીંડી આચરવામાં આવતા આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ભોગ બનનાર વ્યક્તિએ એક આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે વિદેશમાં ભણવા જવા તથા પીઆર માટે અનેક વ્યક્તિએો પ્રયાસ કરી રહી છે અને આ માટે અમદાવાદ શહેરમાં અનેક એજન્ટો કામ કરી રહયા છે શહેરમાં અનેક સ્થળોએ વિદેશના વિઝા અપાવવા માટે એજન્ટોએ ઓફિસો પણ શરૂ કરેલી છે લોકડાઉન પૂર્ણ થતાં અનલોકમાં અપાયેલી છુટછાટોના પગલે હવે નાગરિકો વિદેશ જવા માટે તૈયારી શરૂ કરવા લાગ્યા છે

આ માટે એજન્ટોની ઓફિસોમાં પણ ધસારો જાવા મળી રહયો છે.  શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વ્યકિતએ કેનેડાના વિઝા મેળવવા માટે લલિત જૈન નામની વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો આ શખ્સે આ વ્યક્તિના સમગ્ર પરિવારના સભ્યોને કેનેડાના ડીઝીટલ વિઝા અપાવવાની ખાતરી આપી હતી અને આ માટે તેણે રૂ.૬ લાખ પણ લઈ લીધા હતા સાથે સાથે પરિવારના સભ્યોના પાસપોર્ટ પણ આ શખ્સે લઈ લીધા હતા

ત્યારબાદ સમય જતા આ યુવકે લલિત જૈન પાસે ડીઝીટલ વિઝાના કાગળો માંગ્યા હતા પ્રારંભમાં લલિત જૈને ગલ્લા તલ્લા કર્યા હતા અને કોઈ યોગ્ય ઉત્તર આપ્યો ન હતો જેના પગલે આ યુવકે લલિત જૈન પાસેથી રૂ.૬ લાખ પરત માંગવાની સાથે પાસપોર્ટો પણ માંગ્યા હતા પરંતુ લલિત જૈને પાસપોર્ટ અને રૂપિયા પરત નહી આપતા આખરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.