Western Times News

Gujarati News

દાહોદ સહિત ચાર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી

દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય મળશે

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ વિતરણ કરી જિલ્લામાં યોજનાનો શુભારંભ કર્યો

 ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે – સાંસદ  જસવંતસિંહ ભાભોર

દાહોદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે દાહોદ સહિત ચાર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને આ સહાય-કીટનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. જિલ્લાના દરેકે દરેક ખેડૂતની આવક બમણી થાય એ માટે સહિયારા પ્રયાસથી આગળ વધવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી થાય એ માટે જે સ્વપ્ન સેવેલ છે તેને આપણે ચરીતાર્થ કરવાનું છે. આ માટે ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, આ યોજનાથી જિલ્લાના ૧૯૫૦૦ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણ સહાયનો લાભ મળશે. જે અંતર્ગત દરેક લાભાર્થી ખેડૂતને ૪૫ કિલો યુરીયા, એન.પી.કે. ૫૦ કિલો, એમોનિયા સલ્ફેટ ૫૦ કિલો, મકાઇ બિયારણ ૮ કિલો આપવામાં આવશે, જેની કિંમત રૂ. ૩૫૯૮ થાય છે. જેની સામે લાભાર્થીને રૂ. ૫૦૦ નો ફાળો આપવાનો રહે છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર બિયારણથી ખેડૂત મબલક પાક મેળવશે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

સાંસદ શ્રી ભાભોરે ખેડૂતોને સમયસર બિયારણ મળી જાય એ માટે યોજના સાથે જોડાયેલા અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. સાથે કોરોના સંક્રમણના સમયમાં સામાજિક અંતર અને માસ્ક વગેરે નિયમોનું પણ ચુસ્ત પાલન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં દાહોદના નગરાળાના મહિલા ખેડૂત શ્રી દર્શનાબેન પરમારે પોતાના પ્રતિભાવ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ વ્યક્ત કર્યા હતા. તેમણે રાજય સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.  સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ વિતરણ કર્યું હતું.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી અભિષેકભાઇ મેડા, જનપ્રતિનિધિ શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી.નિનામા સહિતના અધિકારીશ્રીઓ, જીએસએફસી એગ્રોટેકના પ્રતિનિધિ ડો. પૂજન વૈશ્નવ, શ્રી રેણુ ભટ્ટ અને ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.