Western Times News

Gujarati News

અમદાવાદના માણેકચોકમાં મોડીરાત્રે જૂથ અથડામણ

ખાણીપીણીની બજારમાં બાળકો વચ્ચેની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારાથી નાસભાગ  : ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં  ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં લેવાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે શહેર પોલીસતંત્ર એલર્ટ હોય છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે આ ઉપરાંત મોડીરાત સુધી ધમધમતા ખાણીપીણીના બજારોમાં પણ વિશેષ ધ્યાન રાખવામાં આવતુ હોય છે શહેરના સૌથી જાણીતા માણેકચોક ખાણીપીણીના બજારમાં ગઈકાલે રાત્રે નજીવા કારણોસર મામલો બિચકતા બે જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા ઉપર હુમલો કરવા ઉપરાંત જારદાર પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

પરિસ્થિતિ વણસતી જતા જ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે પહોચી ગયા હતા અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો પોલીસની ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસનો આદેશ આપી તોફાની તત્વોને ઝડપી લેવા આદેશ આપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખાણીપીણીના અનેક બજારો આવેલા છે જેમાં માણેકચોક સૌથી જુનુ અને જાણીતુ છે અહીંયા મોડી રાત સુધી દુકાનો અને બજારો ધમધમતા હોય છે અને શહેરભરમાંથી નાગરિકો અહિયા આવે છે ગઈકાલે પણ નિત્યક્રમ મુજબ રાત પડતાં જ માણેકચોકમાં ખાણીપીણીની લારીઓ ચાલુ થઈ ગઈ હતી અને નાગરિકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

આ દરમિયાનમાં જ અચાનક જ પ્રાપ્ત માહિતી મુજબ નાના બાળકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેના પરિણામે આ બાળકોના વાલીઓ પણ દોડી આવ્યા હતાં. બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ દોડી આવેલા વાલીઓ પણ સામસામે આવી ગયા હતા જેના પરિણામે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું હતું અને છુટા હાથની મારામારી થવા લાગી હતી અચાનક જ બે જૂથો સામસામે આવી જતાં શરૂ થયેલી અથડામણના પગલે નાગરિકોથી ધમધમતા માણેકચોક ખાણીપીણીના બજારમાં નાસભાગ મચી ગઈ હતી.

જેમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. નાની એવી બાબતમાં સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચે પથ્થરમારો પણ શરૂ થઈ ગયો હતો અને પરિસ્થિતિ વિસ્ફોટક બનતી જતી હતી. બીજીબાજુ આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલને કરવામાં આવતા અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને તાત્કાલિક આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફને રવાના કરાયો હતો અંદાજે ૪૦થી વધુ ગાડીઓનો કાફલો માણેકચોક પહોંચી ગયો હતો.

માણેકચોકમાં પોલીસ આવતા જ સ્થળ પરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા બે જૂથો વચ્ચે થઈ રહેલી અથડામણના પગલે પોલીસે આખરે બળ પ્રયોગ કરી બંને જૂથોને વિખેરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને બે કલાકની ભારે જહેમત બાદ તોફાની ટોળાઓને વિખેરી નાંખવામાં આવ્યા હતાં ત્યારબાદ જૂથ અથડામણનું કારણ જાણવા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં તોફાની તત્વોને ઝડપી લેવા માટે અધિકારીઓએ આપેલા આદેશ બાદ ગોમતીપુરના એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહયું છે અને તેની પુછપરછના આધારે અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે

આ ઘટનાના પગલે મોડીરાત સુધી ધમધમતું માણેકચોક બજાર પણ પોલીસે બંધ કરાવી દીધું હતું અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવ્યા હતાં વધુ કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.