Western Times News

Gujarati News

સોપોરમાં આતંકી હુમલામાં પોલીસે બાળકને બચાવી લીધો

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે થયેલા હુમલામાં એક જવાન-નાગરિકનું મોત

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલા આતંકી હુમલા દરમિયાન પોલીસે ૩ વર્ષના બાળકને ગોળી વાગતા બચાવી લીધો છે. જમ્મુ-કાશ્મીર પોલીસને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની પેટ્રોલિંગ ટીમ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફ જવાન શહીદ થયો હતો અને એક સિવિલિયન માર્યો ગયો હતો. મળતી માહિતી મુજબ હુમલો કર્યા બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. બે જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે અન્ય જવાનને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સવારે ૭.૩૫ વાગ્યે આતંકીઓ દ્વારા સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે તે વિસ્તારને ઘેરી લેવાયો હતો.

આ કેસમાં કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્‌વીટ કરીને માહિતી આપી છે. ટ્‌વીટમાં લખ્યું છે કે સોપોરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ જવાનનું મોત નીપજ્યું છે અને એક નાગરિકનું મોત નીપજ્યું છે. આ સિવાય ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આતંકીઓએ શ્રીનગરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર સોપોરના બારામુલ્લામાં પેટ્રોલિંગ કરનારા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ પણ પ્રતિક્રિયા આપી પરંતુ આતંકવાદીઓ ત્યાંથી છટકી ગયા.

હુમલા સમયે એક સામાન્ય નાગરિક પણ તેના બાળકો સાથે કારમાં હાજર હતો. તેને પણ ગોળી વાગી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ સિવાય અનંતનાગ જિલ્લામાં પણ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર મળ્યા છે. મંગળવારે મોડીરાત્રે ત્રાલમાં સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓને છુપાવવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.