Western Times News

Latest News in Gujarat

કુબેરનગરમાં નિવૃત શિક્ષકના ઘરમાંથી રૂ.પર લાખની ચોરી

રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો તિજારીમાંથી રૂ.પ૦ લાખ રોકડા અને રૂ.ર.૪૦ લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોક-૧માં અપાયેલી છુટછાટો વચ્ચે રાજય સરકારે તા.૧થી અનલોક-ર માં વધુ છુટછાટો આપતા હવે ગુનાખોરીનો આંક રોકેટ ગતિએ વધી રહયો છે કોરોનાની મહામારી પહેલા અમદાવાદમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  હવે ફરી એક વખત યથાવત રીતે જાવા મળી રહી છે.

શહેરમાં ચોરી, લુંટફાટ અને ચેઈન સ્નેચીંગની ઘટનાઓ ઝડપથી વધવા લાગતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા એક વૃધ્ધ નિવૃત શિક્ષકે નવું મકાન ખરીદવા માટે એકત્ર કરેલા રૂ.પ૦ લાખ ઘરની તિજારીમાં મુકયા હતા ત્યારે જ રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને આ તમામ રૂ.પ૦ લાખ ઉપરાંત તેમની મૃતક પત્નિના  સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતા સનસનાટી મચી ગઈ છે.

આટલી મોટી રકમની ચોરી થતા ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા છે. પોલીસે સ્થળ તપાસ પણ શરૂ કરી દીધી છે અને આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના કુબેરનગર રાજાવીર સર્કલ પાસે આવેલા ન્યુ જી વોર્ડમાં રહેતા
ઉત્તમચંદ ગોલાણી અગાઉ શિક્ષક તરીકે સીંધી શાળામાં ફરજ બજાવતા હતા અને વયમર્યાદાના કારણે તેઓ નિવૃત થયા હતાં ત્યારબાદ ઉત્તમચંદ તેમની પત્નિ  સાથે નિવૃત જીવન વિતાવતા હતા ત્યારબાદ તેમનીપત્નિ નું અવસાન થતા તેઓ એકલા રહેતા હતા.

આ દરમિયાન ચિલોડામાં તેમને નવુ મકાન લેવાનો વિચાર આવ્યો હતો અને આ માટે તેમણે તજવીજ પણ શરૂ કરી દીધી હતી હાલમાં તેઓ જી વોર્ડમાં રહે છે તે મકાન પણ તેમની માલિકીનું છે તેથી ચિલોડામાં નવુ મકાન ખરીદવા માટે આ મકાન વેચવાની પણ કાર્યવાહી શરૂ કરી હતી. ચિલોડામાં નવુ મકાન ખરીદવા માટે તેમને હાલ રૂપિયાની જરૂર પડી હતી અને આ રૂપિયા તેઓ એકત્ર કરી રહયા હતા બીજીબાજુ હાલનુ મકાન વેચવા માટેના તેઓ પ્રયાસ કરી રહયા હતાં ત્યારે બીજીબાજુ ચિલોડામાં નવુ મકાન ખરીદવા માટે રૂપિયા ભરવાના હતા

જેના પરિણામે તેમણે રૂપિયા એકત્ર કરવા માટે સગા સંબંધીઓની સાથે વાતચીત શરૂ કરી હતી ઉત્તમચંદની બાજુમાં જ રહેતા ચદરભાઈ અડવાણી તેમના સંબંધી થાય છે અને તેમને પણ આ વાત કરી હતી. ઉત્તમચંદે ચંદનભાઈને કહયુ હતું કે હાલ મારે રૂપિયાની જરૂર છે અને આ રૂપિયા નવા મકાન ખરીદવા માટે વાપરવાના છે અને હાલનું ન્યુ જી વોર્ડમાં આવેલુ મકાન વહેચાશે ત્યારે રૂપિયા પરત કરી દઈશ આ વાત જણાવતા જ ચંદરભાઈએ રૂપિયા આપવાનુ જણાવ્યું હતું

બંને વચ્ચે થયેલી વાતચીત મુજબ પાડોશી અને સંબંધી ચંદરભાઈ અડવાણીએ તેમની પાસે રહેલા રૂ.ર૦ લાખ આપ્યા હતાં. આ ર૦ લાખ રૂપિયા ઉત્તમચંદે તિજારીમાં મુકી દીધા હતા કુલ રૂ.પ૦ લાખની જરૂર હતી જેમાંથી ર૦ લાખ રૂપિયા મળી ગયા હતા જયારે ૩૦ લાખ હજુ એકત્ર કરવાના હતા.

વૃધ્ધ ઉત્તમચંદની પત્નિ  મૃત્યુ પામતા તેમણે અંદાજે રૂ.૧૭ લાખ જેટલી રકમની બચત કરી હતી આ રૂપિયા ઉત્તમચંદને મળ્યા હતા તેથી તેમની પાસે હવે ૩૭ લાખની રકમ એકત્ર થઈ ગઈ હતી અને હજુ પણ ૧૩ લાખ રૂપિયાની જરૂરિયાત હતી આ દરમિયાનમાં ઉત્તમચંદના પુત્રએ તેના ધંધામાંથી રૂ.૧૩ લાખની રકમ તેના પિતા ઉત્તમચંદને આપી હતી.

આમ ઉત્તમચંદ પાસે જરૂરી રૂ.પ૦ લાખની રકમ એકત્ર થઈ ગઈ હતી આટલી મોટી રકમ એક સાથે રાખવાના બદલે ઉત્તમચંદે રૂ.રપ લાખ તીજારીના અંદરના ખાનામાં મુકયા હતા જયારે ૧પ લાખ બોક્ષમાં મુકી તે પણ તિજારીમાં મુકી દીધી હતી

જયારે રૂ.૧૦ લાખ પાકિટમાં મુકયા હતા આ તમામ રકમ તિજારીમાં જુદા જુદા સ્થાને મુકી હતી. ઉત્તમચંદ સોમવારે રાત્રે નિત્યક્રમ મુજબ સુઈ ગયા હતા અને વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમની આંખ ખુલી જતા ઘરની અંદર માલસામાન વેર વિખેર જાવા મળ્યો હતો અને તીજારી પણ ખુલ્લી જાવા મળી હતી જેના પગલે તેઓ ગભરાઈ ગયા હતા અને તપાસ કરતા રૂ.પ૦ લાખ ગાયબ થઈ ગયા હતા અને મૃતક તેમની પત્નિના રૂ.ર.૪૦ લાખના સોનાના દાગીના પણ જાવા મળ્યા ન હતાં.

આટલી મોટી રકમની ચોરી થઈ જતા ઉત્તમચંદ માનસિક રીતે ભાંગી પડયા હતા અને તેમણે પાડોશીઓને સમગ્ર ઘટના જણાવતા આ અંગેની જાણ સરદારનગર  પોલીસને કરવામાં આવી હતી રૂ.પ૦ લાખ રોકડા તથા રૂ.ર.૪૦ લાખના દાગીનાની ચોરી થતાં સરદારનગર પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાથી એલર્ટ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તમચંદના ઘરની આસપાસ સીસીટીવી કેમેરાના કુટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વૃધ્ધના મકાનમાંથી ચોરી થવાની ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં પણ ભારે ફફડાટ ફેલાયેલો છે. મકાન ખરીદવા માટે એકત્ર કરેલા રૂ.પ૦ લાખની ચોરી થઈ જતા ઉત્તમચંદ પણ માનસિક રીતે ખૂબ જ વ્યથિત બની ગયા છે. સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.