Western Times News

Gujarati News

મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

મુંબઈ: જૂન મહિનો કોરો ગયો હતો તેની કસર વરસાદે ૨૪ કલાકમાં જ પૂરી કરી નાખી હતી. મુશળધાર વરસાદે મુંબઈને ધમરોળી નાંખ્યું હતું. ગુરુવાર રાતથી સતત પડી રહેલા વરસાદનું શનિવારે જોર વધી ગયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈમાં આખો દિવસ ભારે વરસાદ પડ્યો હતો.સવારના સમયે જ દરિયામાં મોટી ભરતી હતી અને એ જ સમયે ભારે વરસાદ પડવાને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન ખાતાએ શુક્રવારે જ મોડી સાંજે મુંબઈ, રત્નાગિરી અને રાયગઢમાં ૨૪ કલાક ભારે વરસાદ પડવાની આગાહી કરીને રેડ ?લર્ટ જાહેર કર્યું હતું. તે મુજબ શનિવારે આખો દિવસ ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ શનિવારે પણ ઉપનગર કરતા તળ મુંબઈમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ દરિયામાં મોટી ભરતી પણ હતી અને દરિયામાં મોજાં ૪.૫ મીટરથી પણ ઊંચા ઉછળ્યાં હતાં અને સવારના એ સમયે ભારે વરસાદ પડવાને કારણે મુંબઈમાં ઠેક-ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં અને કોઈ ઠેકાણે પાણી ભરાશે નહીં એવા પાલિકાના તમામ દાવા પોકળ સાબિત થયા હતા. કોલાબામાં ૫૭.૭ મિલીમીટર (સવા બે ઈંચ) અને સાંતાક્રુઝમાં ૧૧.૪ મિલીમીટર જેટલો નોંધાયો હતો.

મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને  કારણે દરિયામાં મોટી ભરતી હોય અને એ જ સમયે ભારે વરસાદ પડે તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તે મુજબ સવારના ભરતીના સમયે જ ભારે વરસાદ હોવાને કારણે નીચાણવાળા કહેવાતા દાદર ટી.ટી., વડાલા, પરેલ-હિંદમાતા, સાયન, કિંગ સર્કલ, માટુંગા, ધારાવી ક્રોસ રોડ, ચેંબુર બ્રિજ નજીકનો વિસ્તાર, ભાયખલા, સાંતાક્રુઝ, બાંદરા, અંધેરી, મિલન સબ વે, દહિસર સબ વે જેવા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. દરિયામાં સવારના મોટી ભરતી હોવાને કારણે બાંદરા બેન્ડ સ્ટેન્ડમાં દરિયાના પાણી નજીકના ઘરમાં ઘૂસી ગયા હતા. મરીન ડ્રાઈવ પર પણ ઊંચા મોજાં ઉછળ્યાં હતાં.

દહિસર સબ વે અને અંધેરી સબ વેમાં પાલિકાએ પાણીનો નિકાલ કરવા માટે કર્મચારી તહેનાત કર્યા હતા. તો ભારે વરસાદને કારણે ?રપોર્ટ નજીક મીઠી નદીના પાણીનું સ્તર પણ વધી ગયું હતું. વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.વરસાદને કારણે અનેક ઠેકાણે ઘરની દીવાલ તૂટી પડવાના તથા ઝાડ તૂટી પડવાના અને શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા. અનેક જગ્યાએ ભેખડ ધસી પડવાની ઘટના બની હતી, જેમાં મલાડ (પૂર્વ)માં કુરાર વિલેજમાં પારેખ નગરમાં ગાર્ડનની દીવાલ તૂટી પડી હતી. વાલકેશ્ર્વરમાં સમ્રાટ અશોક સોસાયટીમાં ભેખડ ધસી પડતા કારને ભારે નુકસાન થયું હતું.

કાંજુરમાર્ગ જંકશન પર ભારે વરસાદને કારણે ફ્લાયઓવર પર ટૅમ્પો પલટી ખાઈ ગયો હતો. સદ્‌નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મુંબઈની સાથે સાથે જ થાણે, પાલઘર, નવી મુંબઈ, રત્નાગિરી, રાયગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. બપોર બાદ વરસાદનું જોર વધી ગયું હતું. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદનું જોર રહેશે એવો અંદાજો વ્યક્ત કર્યો હતો. હવામાન ખાતાએ શનિવાર માટે મુંબઈ, રાયગઢ, પાલઘર જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કર્યું હતું. આજે રવિવારે જોકે શનિવારની સરખામણીમાં ઓછો વરસાદ પડશે એવી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.