Western Times News

Gujarati News

આ પેટ્રોલ પંપ પર અપાય છે સસ્તું પેટ્રોલ

અમદાવાદ: “આપણા કોરોના વોરિયર્સનો જુસ્સો જાળવી રાખવો જાઈએ. મહામારી હજી અહીં જ છે અને લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે.” આ શબ્દો છે વેપારી અજય જાનીના, જેઓ લોકડાઉન શરૂ થયું ત્યારથી પ્રતિ લિટર પેટ્રોલ-ડીઝલના ભાવ કરતાં બે રૂપિયા ઓછા લે છે. ૫૮ વર્ષીય અજયભાઈ કોવિડ-૧૯ના ફ્રંટલાઈન વોરિયર્સને સસ્તું પેટ્રોલ-ડીઝલ આપવાની સાથે દરેક વ્યક્તિને  ફ્રીમાં હોમિયોપેથિક દવા આપે છે. મણિનગર સ્થિત  તેમના પેટ્રોલ પંપેથી અજય જાની મફતમાં હોમિયોપેથિક દવાનું વિતરણ કરે છે.

લોકડાઉન શરૂ થયું ત્યારે અજયભાઈ અને તેમની ટીમે જરૂરિયાતમંદોમાં ફૂડ પેકેટ અને રાશન કિટ વહેંચી હતી. આ દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પર હુમલો થવાના પણ ઘણા કિસ્સા સામે આવતા હતા. અજયભાઈએ કહ્યું, “લોકો કોરોના વોરિયર્સ સાથે ખરાબ વર્તન કરતા હતા. ત્યારે જ મને વિચાર આવ્યો કે જે લોકો કોરોના સામેની લડાઈનું નેતૃત્વ કરે છે તેમને ઓછા ભાવે પેટ્રોલ-ડીઝલ કેમ ના આપવું.”

આજે ૮૦ દિવસથી વધુ સમય થયો છે ત્યારે ડાક્ટરો, નર્સો, પેરામેડિક સ્ટાફ, કેંદ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, છસ્ઝ્રના કર્મચારીઓ, સફાઈકર્મીઓ અને અન્ય કોરોના વોરિયર્સને મૂળ કિંમત કરતાં બે રૂપિયા ઓછા ભાવે અજયભાઈ પેટ્રોલ-ડીઝલ આપે છે. પોતાના પેટ્રોલ પંપ પર અજયભાઈએ કોરોના વોરિયર્સને સલામ કરતું મોટું હોર્ડિંગ લગાવ્યું છે.

માઈનિંગ અને કંસ્ટ્રક્શન કામ સાથે પણ સંકળાયેલા અજય જાનીના ત્યાં ૧૦૦થી વધુ લોકો કામ કરે છે. તેમાંથી મોટાભાગના અન્ય રાજ્યોના છે. અજય જાનીએ કહ્યું, “કર્મચારીઓમાં ભય અને અનિશ્નિતતાનો માહોલ હતો. મેં તેમને રોકાઈ જવાની વિનંતી કરી અને ખાતરી આપી કે, તેમને પગાર અને રાશન કિટ મળશે. લોકડાઉન દરમિયાન ભાડાના મકાનમાંથી એકપણ કર્મચારીને મકાનમાલિક નહીં કાઢે તેની બાંહેધરી પણ આપી.”

અજય જાની આર્સેનિક આલ્બમ ૩૦ નામની હોમિયોપેથિક દવા પણ પોતાના પેટ્રોલ પંપ પરથી આપે છે, જેની ઈચ્છા હોય તે લઈ શકે છે. તેમણે કહ્યું, “રાજ્ય અને કેંદ્ર સરકાર આ દવાની જાહેરાત કરીને વેચાણ કરી રહી છે પરંતુ ખબર નહીં કેમ અત્યાર સુધી ઘરે-ઘરે પહોંચ્ચી નથી. મેં આ દવાનો જથ્થો દવાવાળા પાસેથી ખરીદીને રોજ સવારે ૬ વાગ્યાથી સાંજે ૮.૩૦ કલાક સુધી આપવાનું શરૂ કર્યું છે. જ્યાં સુધી મહામારીનું સંકટ ટળશે નહીં ત્યાં સુધી હું દવાનું વિતરણ ચાલુ રાખીશ. હું કોવિડ-૧૯ના કેસ નોંધાયા હોય તેવી સોસાયટીઓમાં પણ જઈને આ દવા વહેંચું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.