વાડજમાં સોનીની નજર ચૂકવી ગ્રાહકનાં સ્વાંગમાં ગઠીયા ૭૦ હજારની ચેઈન ચોરી ગયા
 
        અમદાવાદ: વાડજ વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના બનાવતાં વેપારીનો દુકાને ગ્રાહકનાં સ્વાંગમાં આવીને સોનાની રૂપિયા ૭૦ હજારની કિંમતની બે ચેઈનની તફડંચી કરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે.ચંદ્રકાંતભાઈ સોની નવા વાડજ ખાતે રહે છે અને ઘરથી થોડે જ દુર સોના-ચાંદીના ઘરેણાં રીપેરીંગ કરવા અને વેચવાની દુકાન ધરાવે છે.
મંગળવારે બપોરે એક વાગ્યે ચંદ્રકાંતભાઈ દુકાને એકલાં હતા એ સમયે ૩૫થી ૪૫ વર્ષનાં બે પુરુષો ત્યાં આવ્યા હતાં. અને હિન્દીભાષામાં તેમને સોનાની ચેઈન બનાવવી છે કેટલી મજૂરી થશે તેમ પૂછ્યું હતું. ચંદ્રકાંતભાઈ ૪૦૦ રૂપિયા કહેતા બંને ગઠિયાઓએ તેમની પાસે સોનાની ચેઈન જાવા માંગી હતી. અને તેમની નજર ચૂકવીને આશરે ૧૮ ગ્રામની બે સોનાની ચેઈનો ખિસ્સામાં મુકી દીધી હતી. ઊપરાંત વેપારીને વિશ્વાસ અપાવવા ચેઈન બનાવવા માટે ૩૦૦ રૂપિયા એડવાન્સમાં આપીને પોતાની પત્નીને લઈને આવે છએ તેમ કહી બંને રફુચક્કર થઈ ગયા હતા. તેમનાં ગયા બાદ તપાસ કરતાં બે ચેઈન ઓછી જણાઈ હતી.
જેને પગલે તેમણે વાડજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, ગ્રાહકોનાં સ્વાંગમાં દુકાનમાં ઘૂસ્યા બાદ વેપારી કે કર્મચારીની નજર ચૂકવી દાગીનાં ચોરવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે.

 
                 
                