Western Times News

Gujarati News

ભારતે ફંડ આપ્યું ન હોવાનું કહીને ઈરાને ૪૦૦ અબજની ડીલ કરી ચીન સાથે હાથ મિલાવ્યા

ઈરાન ભારત વિરોધી ચીનના ખોળે બેસી ગયું -ભારતને ચાબહાર યોજનાથી દૂર કર્યું
તહેરાન,  ઈરાને ચીન સાથે ૪૦૦ અબજ ડોલરની ડીલ કરી તે પછી તેના રંગ બદલાય ગયા છે. ચીન સાથે હાથ મિલાવવાની સાથે જ ઈરાને ભારતને ભારે મોટો ઝાટકો આપીને ચાબહાર રેલ પરિયોજનામાંથી બહાર કરી દીધું છે. ઈરાનના આરોપ પ્રમાણે સમજૂતીના ચાર વર્ષ વીતી ગયા છતાં ભારત આ પરિયોજના માટે ફંડ નથી આપી રહ્યું માટે આ સંજોગોમાં હવે તે જાતે જ આ પરિયોજનાને પૂરી કરશે.

ચીન સાથેની સમજૂતી બાદ ઈરાનના બેઝિક સ્ટ્રક્ચર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્‌સ બેઈજિંગ જ પૂર્ણ કરશે. ચાબહાર રેલ પરિયોજના ચાબહાર પોર્ટથી જહેદાન વચ્ચે આકાર લઈ રહી છે અને ભારત તેના માટે ફંડ પ્રોવાઈડ કરવાનું હતું. ઈરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઈસ્લામીએ ગત સપ્તાહે જ ૬૨૮ કિમી લાંબા રેલવે ટ્રેક નિર્માણનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ રેલવે લાઈનને અફઘાનિસ્તાનની જરાંજ સીમા સુધી વધારવામાં આવશે અને આ સમગ્ર પરિયોજના માર્ચ ૨૦૨૨સુધીમાં પૂરી કરી દેવાશે. ચીન સાથેની સમજૂતી બાદ હવે સસ્તા તેલના બદલામાં આ અટકી પડેલા પ્રોજેક્ટ્‌સ ચીનની કંપનીઓને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે. ઈરાનના રેલ વિભાગના કહેવા પ્રમાણે હવે તે ભારતની મદદ વગર જ આ પરિયોજના પર આગળ વધશે કારણ કે હવે તેને વધારે ટાળી શકાય તેમ નથી.

ઈરાને કરેલી જાહેરાત પ્રમાણે આ પ્રોજેક્ટ માટે તે નેશનલ ડેવલપમેન્ટ ફંડમાંથી ૪૦ કરોડ ડોલરની ધનરાશિનો ઉપયોગ કરશે. પહેલા ભારતની સરકારી રેલવે કંપની ઈરકાન આ પરિયોજનાને પૂરી કરવાની હતી. આ પરિયોજના ભારતને અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઈ દેશો સુધી એક વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્‌ધતા પૂર્ણ કરવા પાર પાડવાની હતી.

તે માટે ઈરાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પણ થઈ હતી. ભારત પહેલાં ઈરાન ખાતેથી જ સૌથી વધારે કાચું તેલ આયાત કરતું હતું પરંતુ અમેરિકી પ્રતિબંધો બાદ તેમાં ભારે મોટો ઘટાડો કરવામાં આવ્યો. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમિયાન ચાબહાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ સમગ્ર પરિયોજના માટે આશરે ૧.૬ અબજ ડોલરનું રોકાણ થવાનું હતું.કરવા માટે ઈરકાનના એન્જિનિયર્સ ઈરાન પણ ગયા હતા પરંતુ અમેરિકી પ્રતિબંધોના ડરથી ભારતે રેલ પરિયોજનાનું કામ શરૂ કર્યું નહોતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.