Western Times News

Gujarati News

બ્રહ્મપુત્ર નદીની નીચે બનશે ચીનથી પણ લાંબી દેશની પહેલી અંડર વોટર ટનલ

નવી દિલ્હી, પૂર્વીય લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ એક તરફ સૈન્ય કમાન્ડરની વાતચીત ચાલુ છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશથી આસામ સુધી માર્ગ પરિવહન મજબૂત કરવાની કવાયત તેજ કરી દીધી છે. કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર નદી નીચે 14.85 કિમીની ટનલ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રથમ વખત દેશમાં નદી નીચે બનનારી ટનલ પૂર્વીય ચીનના તાઈહૂ સરોવર નીચે બની રહેલી ટનલ કરતા વધુ લાંબી હશે.

કેન્દ્ર સરકારે આસામના ગોહપુર (એનએચ-54)થી નુમાલીગઢ (એનએચ-37)ને જોડવા બ્રહ્મપુત્ર નદી નીચે ચાર લેનની સડક ટનલ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જાણવા મળ્યા મુજબ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સાર્વજનિક ઉપક્રમે રાષ્ટ્રીય રાજમાર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ (એનએચએઆઈડીસીએલ) એ અમેરિકી કંપની તરફથી નદી નીચે તૈયાર થનારી ટનલના ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને મંજૂરી આપી છે. અમેરિકાની લુઈસ બર્જર કંપનીએ બ્રહ્મપુત્ર નદી નીચે  14.85 કિમી લાંબી ટનલ બનાવવા પ્રી-ફિઝિબિલટી રિપોર્ટ અને ડીપીઆર તૈયાર કર્યો છે.

આ ટનલની ખાસ વાત એ હશે કે તેના અંદરથી સૈન્ય વાહનો અને હથિયારથી સજ્જ વાહનોને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે. આ ટનલ આસામ અને અરૂણાચલ પ્રદેશને જોડવાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. જાણવા મળ્યા મુજબ આ ટનલને તૈયાર કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ડિસેમ્બરમાં આ ટનલ પર કામ શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.