Western Times News

Gujarati News

દાહોદમાં કોરોનાને નિયંત્રિત કરવા જિલ્લા વહીવટી તંત્ર કોમ્યુનિટી પાર્ટીસિપેશન વધારવા પ્રયાસો

નિયંત્રિત વિસ્તારોમાં ૬૦ વર્ષથી ઉપરથી ઉંમરના અને કોમોરબીડ હોય એવા નાગરિકોના આરોગ્યની સતત અને સઘન તપાસણી
ખાસલેખ  : દર્શન ત્રિવેદી  દાહોદમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવો એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દાહોદ નગર ઉપરાંત તાલુકામાં કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી સર્વેલન્સ ઉપરાંત સામુહિક ભાગીદારી વધારવામાં આવી રહી છે. સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ધન્વંતરિ રથો દ્વારા આરોગ્ય ચકાસણી વધુમાં વધુ થાય એ બાબત ઉપર ભાર વધારવામાં આવી રહ્યો છે.

અનલોક-૨ બાદના છેલ્લા એક પખવાડિયામાં દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એપ્રિલ માસના શરૂઆતમાં એટલે કે અંગ્રેજી વર્ષના ૧૫માં અઠવાડિયામાં એક કેસ હતો. તે બાદ આવેલા લોકડાઉનમાં પણ કેસોની સંખ્યા એકદમ જૂજ હતી.

જેમ કે, વર્ષના ૧૬માં વીકમાં ૨, ૧૭માં વીકમાં ૧, ૧૮માં વીકમાં ૨ અને ૧૯માં વીકમાં ૧૨ થઇ હતી. આ ફિગર કેસોમાં ૬ ગણો વધારો દર્શાવે છે. પણ, કેસોની સંખ્યા પણ ઓછી છે. હાલમાં અંગ્રેજી વર્ષનું ૨૯મું સપ્તાહ ચાલે છે. ત્યારે કેસોની સંખ્યા અત્યાર સુધીમાં ૭૫ થઇ છે. તેના પહેલાના ૨૮માં સપ્તાહમાં આ ૬૭ કેસો નોંધાયા હતા. એનો મતલબ એ થયો કે, માત્ર એક જ પખવાડિયામાં કેસોની સંખ્યા ૧૪૨ થઇ ગઇ છે.

કોરોના વાયરસના ટેસ્ટિંગનું પ્રમાણ દાહોદમાં પ્રતિ દસ લાખે ૩૭૩૧ છે. તેની સામે કેસો પોઝિટિવ આવવાનું પ્રમાણ ૨ ટકા જેટલું છે. જ્યારે, દર્દીઓના સાજા થવાનું પ્રમાણ ૩૮ ટકા જેટલું છે.

દાહોદ નગરમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. તેમાંય ખાસ કરીને શહેરના ઘાંચીવાડ, ડબગરવાડ કોરોના વાયરસથી વધુ પ્રમાણમાં પ્રભાવિત થયો છે. ચાલુ માસમાં ઘાંચીવાડમાં અત્યાર સુધીમાં ૧૯ અને ડબગરવાડમાં ૧૧ કેસો નોંધાયા છે.

ગત્ત તારીખ ૧૪ની સ્થિતિએ જોઇએ તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ ૩૦થી ૪૪ વર્ષની ઉંમરના ૪૧ પુરુષ અને ૧૨ મહિલા સંક્રમિત થયા છે. તે બાદ ૪૫થી ૫૯ વર્ષના ૨૭ પુરુષ અને ૧૯ મહિલા સંક્રમિત થઇ છે. ૬૦ વર્ષથી વધુની ઉંમર હોય એવા ૧૮ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દાહોદમાં કોરોનાનો મૃત્યદર ૧૦ ટકા, ડિસ્ચાર્જ દર ૩૮.૨૪ ટકા છે.

કલેક્ટર શ્રી વિજય ખરાડી એક મહત્વપૂર્ણ વાત કરતા જણાવે છે કે, દાહોદમાં જેટલા મૃત્યુ થયા છે, એમાં એક બાબત એવી ધ્યાને આવી છે કે, દર્દીઓ છેલ્લી ઘડીએ દવાખાનામાં દાખલ થાય છે. દાહોદથી કેટલાક દર્દીઓ પોતાના રૂટિન ચેકઅપ માટે વડોદરા જાય છે. ત્યાં ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવે છે. આ ઉપરાંત દર્દીઓ પોતાના આરોગ્યને લગતી હકીકતો છૂપાવે છે.

તેથી અમે ડબગરવાડ તથા ઘાંચીવાડમાં કાર્યરત હોય એવા પાંચ તથા વડોદરાના બે તબીબોને પોતાને ત્યાં થતી ઓપીડીની વિગતો આરોગ્ય તંત્રને નિયમિત રીતે આપવા સૂચના આપી છે. આવી જ અપીલ જિલ્લાના તબીબોને પણ કરવામાં આવી છે. જેથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓની માહિતી પ્રાથમિક તબક્કે જ મળી જાય.

કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સઘન હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરથી ઉંમરના અને કોમોરબીડ હોય એવા નાગરિકોના આરોગ્યની સતત તપાસણી કરવામાં આવી રહી છે. નાગરિકોને પણ વિનંતી છે કે, શરદી, ખાંસી કે તાવ હોય એવા સંજોગોમાં તુરંત જ નજીકના સરકારી દવાખાને પોતાના આરોગ્યની તપાસણી કરાવે.

દાહોદ જિલ્લામાં ૧૪ મોબાઇલ મેડિકલ વાન એટલે કે, ધન્વંતરિ રથ ફરી રહ્યા છે. આ રથો દ્વારા અત્યાર સુધીમાં ૯૭ સ્થળોએ કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ૧૯૦૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી છે. તે પૈકી ૧૦ કેસોને હેલ્થ સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
એ જ રીતે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા તથા હોમિયોપેથિક દવામાં ૨૨ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

કોમ્યુનિટી પાર્ટીસિપેશન વધારવા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા દ્વારા કોરોનાથી સંક્રમિત વિસ્તારોમાં રહેતા આગેવાનો સાથે આઠ જેટલી મુલાકાત-બેઠકો કરવામાં આવી છે. જે તે વિસ્તારોમાં રહેતા નાગરિકોને જો તાવ, શરદી કે ખાંસી હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાને ઇલાજ કરાવવામાં આવે તેની તકેદારી રાખવામાં આવે તે બાબતે આગેવાનોને સમજુત કરવામાં આવ્યા છે.

હવે નાગરિકોએ પણ એ બાબત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે, કોરોના સામેની જંગ સ્વયંશિસ્ત અને અનુશાસન વિના જીતી શકાય એમ નથી. કામ વીના ઘરની બહાર નીકળવાની કોઇ જ જરૂર નથી. માસ્ક પહેર્યા વીના હવે કોઇ છૂટકો નથી. વ્યક્તિગત આરોગ્યની ખૂબ જ સંભાળ રાખવાનો સમય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.