Western Times News

Gujarati News

ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રખાશે

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણય  -શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત  : ૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ- ગુજરાત શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓએ  મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળીને આભાર પ્રગટ કર્યોરાજ્ય સરકાર કોઇ પણ વ્યકિગત – સમૂહિક રીતે શિક્ષકને કોઇ સંવર્ગમાં  આર્થિક નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇના નેતૃત્વમાં આ સરકારે સમસ્યાઓના નિવારણમાં  વિવાદ નહિં સંવાદનો માર્ગ અપનાવ્યો છે :ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘની ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેની રજૂઆતોનો સાનૂકુળ સંવેદનશીલતાભર્યો પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો તા. રપ-૬-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના અંદાજે ૬પ હજારથી વધુ શિક્ષકોને આના પરિણામે લાભ થવાનો છે.  શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ પત્રના અનુસંધાને શિક્ષક સંઘો અને શિક્ષક આલમમાં જે અસંતોષની લાગણી હતી તે હવે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી સંપૂર્ણપણે દૂર થઇ છે.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષણિક મહાસંઘના પદાધિકારીઓ સાથેની સફળ બેઠક બાદ શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પત્રના સંદર્ભમાં શિક્ષક સંઘો દ્વારા થયેલી વિવિધ રજૂઆતો બાબતે છેલ્લા ૧પ દિવસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી કક્ષાએ તેમજ અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રી કક્ષાએ પરામર્શ-ચર્ચાઓ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તદઅનુસાર શિક્ષક સમૂદાયના વ્યાપક હિતમાં નિર્ણય લઇને તા. રપ-૬-ર૦૧૯નો શિક્ષણ વિભાગના આ પત્રનો અમલ મોકૂફ-સ્થગિત કરવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.  શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં કોઇ પણ સમસ્યા-પ્રશ્નોના નિવારણ માટે વાદ-વિવાદ નહિં સંવાદનો માર્ગ અપનાવતી આવી છે. આ પ્રશ્ને પણ શિક્ષક સંઘો સાથે સાનૂકુળ વાતાવરણમાં લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આ અંતિમ નિર્ણય લેવામાં આવેલો છે.

શિક્ષક સંગઠનોએ આ સુખદ નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળીને તેમનો આભાર વ્યકત કર્યો હતો.  શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઇ પણ વર્ગ, સંવર્ગ કે શિક્ષકો લાગણી અને માંગણી ધ્યાને લઇને તેમના હિતકારી નિર્ણયો જ કરતી આવી છે અને કોઇનું ય અહિત ના થાય તેનું ધ્યાન પણ હંમેશા રાખવાની જ છે.

તેમણે રાજ્યના શિક્ષક સમુદાયને ખાતરી આપી કે, આ મૂદે કોઇ પણ વ્યકિતગત કે સામૂહિક શિક્ષકને કોઇ સંવર્ગમાં આર્થિક નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સંકલ્પબદ્ધ છે.  શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સમગ્ર બાબતે શિક્ષક સંઘોને અને સંગઠનોને ગેરમાર્ગે દોરીને વિષયને રાજકીય રૂપ આપવાના વિપક્ષે કરેલા પ્રયાસોની આલોચના પણ કરી હતી.
તેમણે શિક્ષક સંગઠનો અને શિક્ષક આલમે રાજ્ય સરકાર પર વિશ્વાસ ભરોસો રાખીને જે ધીરજ રાખી તેનો આભાર વ્યકત કર્યો હતો.
આ પરિપત્રના અમલ અંગેની નાની-મોટી બધી અડચણો દૂર કરીને મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોના વિશાળ હિતમાં આજે આ નિર્ણય કર્યો છે તેમ પણ અંતમાં તેમણે ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.