Western Times News

Gujarati News

ડિફોલ્ટર્સની પાસેથી ૧.૪૭ લાખ કરોડની વસૂલાત બાકી

બેન્કોના રાષ્ટ્રીયકરણને ૫૧ વર્ષ પૂરા થયા-ડિફોલ્ટર સામે પગલાં લેવામાં રિઝર્વ બેન્કની ઉદાસિનતાથી બેન્કો નબળી પડી છે, ૩૨૭૩૭ કરોડની વસૂલાત બાકી
અમદાવાદ, દેશની બેન્કોનુ નેશનલાઈઝેશન થયા ને ૫૧ વર્ષ થઇ રહ્યા છે તેમ છતાં બેન્કો મજબૂત થવાને બદલે બેંકો પાસેથી કરોડોની લોન લઇને કેટલાક ડિફોલ્ટરો મજબૂત બની રહ્યા છે. બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા ડિફોલ્ટરો સામે સરકાર કે આરબીઆઇ પણ હથિયાર હેઠા મૂકી દેતા હોય તેવો ઘાટ થઈ રહ્યો છે. ડિફોલ્ટરો સામે પગલા લેવાની વાત તો દૂર પરંતુ તેમના નામ પણ જાહેર કરતા સરકાર ખચકાટ અનુભવતી હોવાનું મહાગુજરાત બેંક કર્મચારી સંગઠનો આક્ષેપ છે. બેંકોના નેશનલાઈઝેશને ૫૧ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે બેંકોના ડિફોલ્ટરો પાસેથી વસુલવાની રકમ ૧૪૭૩૫૦ કરોડ છે. જેમાં માત્ર ૩૩ ડિફોલ્ટરો નાજ ૩૨૭૩૭ કરોડની વસૂલાત બાકી છે.

બેંક કર્મચારી સંગઠન દ્વારા બેન્કોને મજબૂત બનાવવા માટે સૌપ્રથમ ડિફોલ્ટરો પાસેથી કડક ઉઘરાણી કરવાનો અને ડિફોલ્ટરો સામે ફોજદારી પગલાં લેવાની માગણી થઈ રહી છે. જોકે મોટા ડિફોલ્ટરોને જે કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે તેમાં ચોક્કસ મોટા માથાઓની સંડોવણી હોવાને કારણે જ આ પગલા નહીં લેવાતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

મહાગુજરાત બેંક કર્મચારી સંગઠનના જનક રાવલે જણાવ્યું હતું કે બેન્કોને મજબૂત બનાવવા માટે ૧૯ મી જુલાઇ ૧૬૬૯ના રોજ તત્કાલીન સરકારે બેન્કોનુ નેશનલાઈઝેશન કરી દીધું હતું. જોકે બેંકો મજબૂત બનવાને બદલે કૌભાંડીઓ મજબૂત બની રહ્યા છે. કર્મચારી સંગઠનો આક્ષેપ છે કે સામાન્ય લોન ધારક જો એકાદ હપ્તો ભરવામાં ચૂક કરે તો તેની સામે બેંકો ભરત કડક પગલા લેવાની વાતો શરૂ કરી દે છે

માલીયા મોદી અને ચોકસી જેવા કૌભાંડીઓ બેંકો પાસેથી હજારો કરોડની લોન લઈને વિદેશ ભાગી ગયા છે. આવા કૌભાંડીઓ સામે આરબીઆઇ અને સરકારે ચોક્કસ લાલ આંખ કરવી જ જોઈએ.વધુમાં સંગઠનની એવી માગણી છે કે બેન્કો દ્વારા ડિફોલ્ટરો ની યાદી જાહેર કરવામાં પણ આવતી નથી. જો આ યાદી લોકોમાં જાહેર કરવામાં આવે તો લોકો પણ આ કૌભાંડીઓને ઓળખતા થાય અને તેનો ચોક્કસ પરિણામ આવી શકે. સાથે સાથે બેન્કોએ આવા ડિફોલ્ટરો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી તેમની પાસેથી લોનની વસુલાત કરવા માટે તેમની મિલકતો કબજે લઇ તેની હરાજી કરવી જોઈએ.

ડિફોલ્ટરો સામે કડક પગલા લેવાની માંગણી ઉપરાંત બેંક કર્મચારી સંગઠન દ્વારા જો બેન્કોનો વિકાસ કરવો હોય અને તેમને મજબૂત બનાવવી હોય તો તેનું ખાનગીકરણ અને વિલીનીકરણ અટકાવવા માટે પણ ઉગ્ર માગણી કરવામાં આવી છે. સાથે સાથે બેંકો પાસે પુરતું ભંડોળ રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે બેંકોની શાખાઓ બંધ કરવાને બદલે વધારવા માટે અને બેંકમાં રહેલી ડિપોઝીટ વ્યાજદર પણ વધારવા માટે કર્મચારી સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.