Western Times News

Latest News from Gujarat

પાકું મકાન છત્ર આપવા  ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યાઃમુખ્યમંત્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬ આવાસો-તાલુકા સેવાસદનના  ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ નહિ, લાઇટ, શૌચાલય, પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો આ સરકારે પૂરાં પાડયા છે.

આવા આવાસો ગરીબ, અંત્યોદય પરિવારોને આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તેમને પ્ણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાએ રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે નિર્માણ કરેલા ૪૧૬ આવાસોનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પાટડી-દસાડા તાલુકા સેવાસદનના રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર ભવનનો પણ લોકાર્પણ ગાંધીનગરથી કર્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હરેક માનવીને ઘરના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદ રૂપ બની છે.  શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણના આ વૈશ્વિક કપરા કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા આગળ ધપતી રહે સાથોસાથ સંક્રમણ પણ વધે નહિં તેવી સતર્કતા સાથે પ્રધાનમંત્રીશ્રીના જાન હૈ, જહાન ભી હૈ ના સુત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધ્યું છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના મહામારીમાં પણ પ્રજાહિત-લોકહિતના કામો અટકવા દીધા નથી. તેમણે સૌ નાગરિકોને માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા, ભીડભાડ ન કરવી જેવી સારી આદતો કેળવી કોરોનાનો વ્યાપ અટકાવવા અપિલ કરી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ ૭ર ટકા થી વધુ છે અને મૃત્યુદર પણ નીચો છે. આરોગ્યરક્ષાના સઘન પગલાં અને લોકોની જનજાગૃતિને કારણે ગુજરાત આ દર જાળવી શકયું છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ન વકરે તે માટે નાગરિકો-પ્રજાજનોને સતર્કતા રાખવાની પણ અપિલ કરી હતી.
પાટડી-દસાડાના નવનિર્મિત તાલુકા સેવાસદનનું ભવન ગરીબ, સામાન્ય માનવીની રજૂઆતો-પ્રશ્નોના ઝડપી નિકાલ અને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસન વ્યવસ્થાના વર્કકલ્ચરનું કેન્દ્ર બનશે, એવો વિશ્વાસ તેમણે રૂ. ૯.૯૬ કરોડના આ ભવનનો પ્રજાર્પણ કરતા વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સરકારની યોજનાઓ છેક ગ્રામીણસ્તર સુધી, છેવાડાના માનવી સુધી સુપેરે પહોચે તે હેતુસર જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી યોજનાઓના અમલનું ડિસેન્ટ્રલાઇઝેશન-વિકેન્દ્રીકરણ કરીને પ્રધાનમંત્રીશ્રીના નયા ભારતના નિર્માણને પાર પાડયું છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ આખું વર્કકલ્ચર – કાર્યસંસ્કૃતિ લોકોને સમર્પિત બને અને પ્રજાજનોના કાર્યો ઝડપી-થાય તેવી નેમ સાથે અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી ઊભું કર્યુ છે તેને આપણે વધુ સુદ્રઢતાથી આવા વધુ ભવનો દ્વારા આગળ ધપાવી રહ્યા છીયે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, પીડિત, શોષિત, વંચિતો, નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગો હરેક માટે કલ્યાણ યોજનાઓથી સર્વાંગી જનહિતના ભાવ સાથે કર્તવ્યરત છે તેની વિશદ છણાવટ કરી હતી.  તેમણે કહ્યું કે, ઘર-ઘર શૌચાલય, જનધન યોજનાથી ગરીબોને આર્થિક સહાય, નિરાધાર-વિધવા-દિવ્યાંગ પેન્શન, આયુષ્યમાન ભારત, મા-અમૃત્તમ, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ગરીબ-જરૂરતમંદોને રાહતદરે અનાજ જેવી યોજનાઓથી આપણે અંત્યોદય ઉત્થાન અને રામરાજ્યની કલ્પના સાકાર કરવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આવાસ લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ અને તાલુકા સેવાસદનથી કર્મયોગીઓને જનસેવા-લોકહિત કામો માટે આપીને અગ્રેસર બનાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.  આ અવસરે સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ડૉ. મહેન્દ્ર મૂંજપરા, ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલ, થાનગઢ અને પાટડી નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દિલીપભાઇ, અગ્રણીઓ અને જિલ્લા વિકાસ અધિકારી સહિત વહિવટીતંત્રના અધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers