Western Times News

Gujarati News

અમેરિકાની ધૂન પર નાચવાનું બંધ કરો: બ્રિટન ઉપર ચીન ભડક્યું

ચીને હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો તેનો બ્રિટન વિરોધ કરી રહ્યું છે, બ્રિટન અને ચીન બંને એક બીજા વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યા છે

બેઈજિંગ, બ્રિટન અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. તેને અનુસંધાને બ્રિટનના વિદેશ મંત્રીએ એવા સંકેત આપ્યા હતા કે બ્રિટન હોંગકોંગ સાથેની પ્રત્યાર્પણ સંધિનો અંત લાવી શકે છે. ચીને હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો તેનો બ્રિટન વિરોધ કરી રહ્યું છે. બ્રિટનના કહેવા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના માધ્યમથી ચીન હોંગકોંગની સ્વાયત્તતા ખતમ કરવા માંગે છે. બ્રિટન અને ચીન બંને સતત એક બીજા વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યા છે.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રવિવારે બેઈજિંગ પર શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ ગંભીર રીતે માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મુક્યો હતો. તેના જવાબમાં બ્રિટનના ચીની રાજદૂતે એમ કહ્યું હતું કે જો બ્રિટન કથિત માનવાધિકારના ઉલ્લંઘનને લઈ તેના કોઈ અધિકારી પર પ્રતિબંધ મુકશે તો તેઓ પણ તેનો જડબાતોડ જવાબ આપશે. ચીની રાજદૂતે એમ પણ કહ્યું હતું કે બ્રિટને અમેરિકાના ઈશારે ન ચાલવું જોઈએ. હોંગકોંગ મુદ્દાને લઈ ચીન અને બ્રિટન બંને પહેલેથી જ સામસામે છે. હોંગકોંગ બ્રિટિશ વસાહત રહી ચુક્યું છે. બ્રિટને ૧૯૯૭માં હોંગકોંગને સ્વાયત્તતાની શરત સાથે ચીનને સોંપ્યું હતું.

જો કે નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈ બ્રિટને કહ્યું કે, તેનાથી ૧૯૯૭ની સમજૂતીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હોંગકોંગ અને ઉઈગર મુસ્લિમો મુદ્દે ચીનની ટીકા સિવાય બ્રિટને ૫જી મોબાઈલ નેટવર્કમાંથી ચીની કંપની હ્યુવેઈને દૂર કરી છે જેથી બંને દેશ વચ્ચેનો ખટરાગ વધ્યો છે. રાબના કહેવા પ્રમાણે બ્રિટન ચીન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોની નસબંધી અને તેમને પ્રશિક્ષણ કેમ્પમાં રાખી ટાર્ગેટ કરવામાં આવે છે તે મુદ્દે ચૂપ નહીં રહી શકે. તેમણે એક ઈન્ટર્વ્યુમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે શિનજિયાંગ પ્રાંતમાં ખૂબ જ ખરાબ રીતે માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમે અમારા આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને આ મુદ્દે કામ કરીશું. તે ખૂબ જ ચિંતાજનક છે. આ તરફ ચીની રાજદૂત લિયુ શિયામિંગે શિનજિયાંગ પ્રાંતમાં મોનિટરિંગ કેમ્પ હોવાના સમાચારને રદિયો આપ્યો હતો.

જ્યારે ચીની રાજદૂતને ડ્રોન ફુટેજ અંગે પુછવામાં આવ્યું જેમાં ઉઈગર મુસ્લિમોની આંખે પટ્‌ટી બાંધીને તેમને ટ્રેનમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે ચીન વિરૂદ્ધ તમામ ખોટા આરોપો લગાવાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો. લિયુ શિયામિંગે કહ્યું હતું કે, ‘જો બ્રિટિશ સરકાર કોઈ ચીની વ્યક્તિ પર પ્રતિબંધ મુકવાનું શરૂ કરશે તો ચીન પણ તેનો ચોક્કસથી જવાબ આપશે. તમે જોયું જ હશે કે અમેરિકામાં શું બન્યું. તેઓ ચીની અધિકારીઓ પર પ્રતિબંધ મુકે છે અને અમે તેમના સાંસદો, અધિકારીઓ પર પ્રતિબંધ મુકીએ છીએ. હું નથી ઈચ્છતો કે ચીન અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં પણ બદલાની કાર્યવાહી જોવા મળે.’ વધુમાં કહ્યું કે, બ્રિટનની પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ હોવી જોઈએ, તેણે અમેરિકાની ધૂન પર ન નાચવું જોઈએ. હ્યુવેઈ મામલે પણ આમ જ બન્યું છે. હકીકતે અમેરિકા ઘણા લાંબા સમયથી બ્રિટન પર ચીની કંપની પર પ્રતિબંધ મુકવા દબાણ કરી રહ્યું હતું. ચીન સરકારના પ્રવક્તાએ પણ તાજેતરમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે સાંઠગાંઠનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીની કંપની હ્યુવેઈને નુકસાન પહોંચાડવા અને ચીની કંપનીઓ સાથે ભેદભાવ કરી તેમને બહાર કાઢવા બંને દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.