Western Times News

Latest News from Gujarat

રાજ્યમાં આજથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે

Files Photo

ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પગલાંના ભાગરૂપે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવેલ લોકડાઉન સંદર્ભેભારત સરકાર દ્વારા એનએફએસએ હેઠળ રેશનકાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાન અન્ન યોજના હેઠળ એપ્રિલ થી જૂન-૨૦૨૦ દરમિયાન વ્યકિતદીઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં, ૧.૫ કિ.ગ્રા.ચોખા અને ૧ કિ.ગ્રા. ચણાનાં જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનુસાર આવતીકાલથી રાજ્યમાં મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. લોકડાઉન બાદ અનલોકનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. દેશભરમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. જેને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનલોકના પ્રારંભમાં જ આ યોજનાને દિવાળી સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અને તમામ રાજ્યોને આ અંગેની જાણ કરી હતી. જેના પગલે તમામ રાજ્ય સરકારોએ આ અંગેનું વ્યવસ્થા તંત્ર ગોઠવી દીધુ હતુ. ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે તમામ ગરીબોને આ યોજનાનો લાભ મળે તે માટે સક્રીય પ્રયાસો કર્યા હતા.

અને વડાપ્રધાને યોજના લંબાવતા ગુજરાત સરકારે ફરી એક વખત મફત અનાજનું વિતરણ શરૂ કર્યુ છે. જેને પગલે આવતીકાલે અનાજ વિતરણ શરૂ કરાશે.  તા. ૨૩/૭/૨૦૨૦ થી શરૂ થતાં વિતરણમાં કોરોના વાયરસની વ્યાપક અસરને ધ્યાનમાં રાખી વાજબી ભાવની દુકાન પર ગીર્દી ન થાય તે માટે રાજય સરકારે આપેલ સુચનાનુસર લાભાર્થીના રેશનકાર્ડના છેલ્લા અંક મુજબ દર્શાવેલ તારીખોએ વાજબી દુકાનો પરથી સંબંધિત રેશનકાર્ડ ધારકોને જથ્થો આપવામાં આવશે.

તદ્‌અનુસાર એનએફએસએ રેશનકાર્ડની બુકલેટના અંતિમ આંકડા ૧ અને ૨ માટે જથ્થો મેળવવાની તારીખ ૨૩/૭/૨૦૨૦ છે તેજ રીતે અંતિમ અંક ૩ અને ૪ માટે તા. ૨૪/૭/૨૦૨૦, અંતિમ અંક ૫ અને ૬ માટે તા. ૨૫/૭/૨૦૨૦, અંતિમ અંક ૭ અને ૮ માટે તા. ૨૬/૭/૨૦૨૦ જયારે અંતિમ અંક ૯ અને ૦ (શૂન્ય) માટે તા. ૨૭/૭/૨૦૨૦ નિયત કરવામાં આવેલ હોઇ તે મુજબ જ જથ્થો લેવા કાર્ડધારકોએ વાજબી ભાવની દુકાનોએ જવાનું રહેશે.

જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગોવશાત આ નિયત કરવામાં આવેલ દિવસે (તારીખે) વાજબી ભાવની દુકાન પર તેઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો તેવા રેશનકાર્ડ ધારકોએ તા. ૨૮/૭/૨૦૨૦ થી તા. ૩૧/૭/૨૦૨૦ સુધીમાં વાજબી ભાવની દુકાનેથી આ જથ્થો મેળવી લેવાનો રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers