Western Times News

Gujarati News

કિશોરીએ માતા-પિતાને મારનાર ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા

અફઘાન કિશોરીની બહાદુરી વિશ્વમાં ચર્ચાનો વિષય-કમલ ગુલના પિતા ગામના સરપંચ-સરકારના સમર્થક હોવાથી તાલીબાની આતંકીઓને ખુબ જ ખટકતા હતા
કાબુલ,  એક અફઘાન કિશોરીએ તેના માતાપિતાની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓને એકે ૪૭ ગન વડે ખતમ કરી નાખતાં વિશ્વભરમાં તેના નામની ચર્ચા થઈ રહી છે. હાલમાં આ કિશોરી પોલીસના રક્ષણમાં છે કેમકે, તેની પર જોખમ વધી ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કમલ ગુલ નામની આ ટીનએજરના પિતા ગામના સરપંચ હોવાની સાથે સાથે સરકારના સમર્થક હોવાથી તાલીબાની આતંકીઓને આંખના કણાની જેમ ખટકતા હતા.

૧૭ જુલાઈએ રાતે એક વાગ્યે આતંકવાદીઓ તેમના ઘરમાં ઘુસી ગયા હતા. કમર ગુલના પિતાને અને માતાને આતંકીઓ ઘરની બહાર ઘસેડીને લઈ ગયા હતા અને તેમની હત્યા કરી નાંખી હતી. આ જોઈને રોષે ભરાયેલી કમર ગુલ એકે ૪૭ સાથે બહાર નીકળી હતી અને આતંકવાદીઓ પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. એક કલાક સુધી ફાયરિંગ ચાલ્યું હતું.

તે વખતે કમરની સાથે તેનો ભાઈ પણ તેની સાથે મોજુદ હતો. એ પછી ગામના લોકોએ પણ કમર ગુલના સમર્થનમાં આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો. હાલમાં તો અફઘાન સુરક્ષાદળો કમર અને તેના ભાઈને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા છે.

આ ઘટના બાદ કમર બે દિવસ સુધી આઘાતમાં સરી પડી હતી. આ કિશોરીનુ કહેવુ છે કે, હુમલો કરવા મારો અધિકાર હતો. મારે મારા માતા પિતા વગર એમ પણ જીવવાની ઈચ્છા નહોતી. આ ઘટના બાદ કમર ગુલ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. તેનો એકે ૪૭ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.