Western Times News

Latest News from Gujarat

લોકજાગૃતિની શરૂઆત-કોરોનાનો ટેસ્ટ પૂરી સોસાયટીએ કરાવ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના સંક્રમણના આંકડા વધતા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચિંતિત છે. તાજેતરમાં થોડા સમય પહેલા જ કેન્દ્રએ ગુજરાત ખાતે એક ટીમ મોકલી હતી જેણે સુરત- અમદાવાદની મુલાકાત લીધી હતી. હાલમાં રાજયમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર પહોંચી ગઈ છે. સુરતમાં સ્થિત ચિંતાજનક બની છે અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયાના દાવા થઈ રહયા છે.
પરંતુ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઈ રહયો છે તે પણ હકીકત છે તેની સામે પાછલા બે-ત્રણ દિવસથી પાછા કેસ વધ્યા છે. આમ કોરોનાના કેસમાં વધઘટ જાેવા મળી રહી છે પરંતુ ઓવરઓલ ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે કોરોનાના કેસો વધી રહયા છે તો બીજી તરફ અનલોકને કારણે જનજીવન ધબકતુ થઈ રહયુ છે.

ગાડી પાટે ચઢી રહી છે હવે લોકોએ જાણે નકકી કરી લીધુ છે કે કોરોના સાથે જીવવુ પડશે તેથી ઘરની બહાર કામ-ધંધાર્થે લોકો નીકળી રહયા છે. આગામી દિવસોમાં બધુ ધમધમતુ થઈ જશે. આમ તો બધુ નોર્મલ લાગે છે પરંતુ કોરોનાનો ફફડાટ હજુ એટલો છે તેથી પૂર્ણપણે જનજીવનને પાટે ચઢતા હજુ બે ત્રણ મહિના નીકળી જશે તેવુ જણાઈ રહયુ છે.

કોરોનાને લઈને માધ્યમો, સોશિયલ મિડિયામાં અવેરનેસના સમાચારો, મેસેજાે વહેતા થઈ રહયા છે તેને કારણે લોકો મક્કમ થયા છે અમદાવાદ શહેરમાં ઘણી સોસાયટી- ફલેટોના રહીશો તો સ્વૈચ્છિક રીતે કોરોનાનો ટેસ્ટ કરાવી રહયા છે. તાજેતરમાં અમદાવાદની એક સોસાયટીના અગ્રણીએ પોતાની સોસાયટીમાં કોરોનાનો ટેસ્ટ કરવા માટે કોર્પોરેશનની ટીમને બોલાવી હતી.

લગભગ ૮૦ ઘરના તમામ રહીશોએ પોતાનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તમામનો રીપોર્ટ નેગેટીવ આવતા લોકોને રાહત થઈ હતી. કોર્પોરેશનની ટીમે પણ લોકોની જાગૃતિ અંગે પ્રશંસા કરી હતી. સામાન્ય રીતે કોરોનાનો ટેસ્ટ કરાવતા લોકો ફફડતા હોય છે પરંતુ લાગે છે કે અમદાવાદમાં નાગરિકોમાં એક નવો કન્સેપ્ટ જાેવા મળે તો નવાઈ રહેશે નહિ.

જેમ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડની કામગીરી સોસાયટીઓમાં આવીને થતી હોય છે તેમ સોસાયટીમાં ફલેટોમાં કોવિડ- ટેસ્ટ જે તે સોસાયટીના સેક્રેટરી તથા હોદ્દેદારોને વિશ્વાસમાં લઈ કરાવવામાં આવે તો નાગરિકોના મનમાંથી અનેક પ્રકારની શંકા- કુશંકાઓનું સમાધાન થઈ જાય અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ તથા બી.આર.ટી.એસ.ના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયો છે

તેવી જ રીતે કોરોનાને સંક્રમિત થતો અટકાવવા માટે સોસાયટીઓ, ફલેટો કોવિડ ટેસ્ટ હાથ ધરવામાં આવે તો ઘણુ ઉત્તમ કહી શકાશે. અત્યારે તો કેટલીક સોસાયટીઓએ પોતાના સભ્યોનો કોવિડ ટેસ્ટ કરવાની પહેલ કરી દીધી છે. આગામી દિવસોમાં આ નવો વિચાર કેટલો આગળ વધે છે તે જાેવાનું રહેશે.

તજજ્ઞો કહી રહયા છે કે કોરોનાથી સચેત રહેવાની જરૂર છે સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરો જયાં જરૂર લાગે ત્યાં ડોકટરની સલાહ લો, સોશિયલ મિડીયામાં આવતા “ઊંટ વૈદ્યો”થી દૂર રહો. કોરોનાનો ડર મનમાંથી દૂર કરો, હકારાત્મક વિચાર સાથે મક્કમતાપૂર્વક આગળ વધો. કોરોના સાથે જીવવુ પડશે તે નકકી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers