Western Times News

Gujarati News

અમદાવાદ- સુરતમાં વધુ એક ઈન્જેકશન કૌભાંડઃ સીપ્લાના બ્રાંચ મેનેજરના ઘરે દરોડો

ર૮થી વધુ ઈન્જેકશનો મળી આવ્યાઃ દવા બનાવતી સીપ્લા કંપનીના અમદાવાદના બ્રાંચ મેનેજરના ઘરે પણ દરોડો : કોરોનાના દર્દીઓ માટે જરૂરી એવા ઈન્જેકશનની સંગ્રહાખોરી કરતા શખ્સો પર ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના રાતભર દરોડા

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં લોકડાઉન બાદ અનલોક દરમિયાન સાર્વત્રિક રીતે છુટછાટો આપવામાં આવી છે જેના પગલે રાજયના મોટા શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બનવા લાગી છે અને રાજયમાં છેલ્લા બે દિવસથી ૧૦૦૦થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહયા છે. સુરત, અમદાવાદ સહિત રાજકોટ અને વડોદરા શહેરમાં કોરોનાના અનેક દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાથી ગંભીર સ્થિતિમાં મુકાયેલા દર્દીઓ માટે ખાસ ઈન્જેકશન બનાવવામાં આવ્યું છે

જેની કિંમત રૂા.પ હજાર જેટલી થવા જાય છે આ રસી દર્દીઓ માટે ખૂબજ અસરકર્તા સાબિત થઈ રહી છે જેના પગલે રાજયમાં કાળાબજારીયાઓએ આ તકનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે

તાજેતરમાં જ કોરોના સામે મહત્વપૂર્ણ ઈન્જેકશનના નકલી કારોબારનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી જ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરી અમદાવાદ, સુરતમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડયા છે અને ર૮થી વધુ ઈન્જેકશનો જપ્ત કરી કેટલીક વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહયું છે. ચોંકાવનારી બાબત એ છે કે ઈન્જેકશન બનાવતી દવા કંપનીના મેનેજરની પણ સંડોવણી જણાતા તેના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ કૌભાંડથી રાજય સરકાર ચોંકી ઉઠી છે અને સઘન તપાસનો આદેશ આપતા આ કૌભાંડમાં વધુ કેટલાક મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે.

આ અંગેની વિગત એવી છે કે દેશમાં સૌ પ્રથમ કોરોના વાયરસમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા જાેકે હાલમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં કેસોની સંખ્યામાં પ્રથમ પાંચમા સ્થાને છે તેમાં પણ ખાસ કરીને અનલોક જાહેર કરાતા અપાયેલી છુટછાટોના કારણે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધવા લાગી છે મોટા શહેરોમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે

ત્યારે હવે તમામ જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં કેટલાક લેભાગુ તત્વો પણ હવે સક્રિય બની ગયા છે. રાજયમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સ્થિતિ ગંભીર બને તો દવા બનાવતી કંપનીઓએ ખાસ ઈન્જેકશનો બનાવ્યા છે અને આ ઈન્જેકશનોથી દર્દીઓને રાહત મળી રહી છે જેના પગલે તાજેતરમાં જ ફુડ એન્ડ ડ્રગ વિભાગે આવા ઈન્જેકશનોના નકલી ઈન્જેકશન બનાવી બજારમાં વેચાણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો આરોપીઓની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેના પગલે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે છેલ્લા ત્રણ દિવસથી અત્યંત ખાનગી રાહે આ અંગે તપાસ શરૂ કરી હતી અને તેમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે ગઈકાલ મોડી સાંજથી સક્રિય બની અમદાવાદ અને સુરતમાં જુદી જુદી ટીમો મોકલી હતી સૌ પ્રથમ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે દર્દીઓને આપવામાં આવતા ઈન્જેકશનોની બજારમાં સોર્ટેજ ઉભી થાય તે માટે કેટલાક શખ્સો તેનો સંગ્રહ કરી રહયા છે

આ માહિતીના આધારે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે સૌથી વધુ અસરગ્રસ્ત સુરત અને અમદાવાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો સૌ પ્રથમ સુરતમાં ડભોલી ખાતે મળેલી ચોકકસ માહિતીના આધારે એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી ૧પ જેટલા ઈન્જેકશનો મળી આવ્યા હતાં આ શખ્સની પુછપરછ કરતાં આ સમગ્ર કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો

જાેકે અગાઉથી જ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને ચોકકસ માહિતી મળી ગઈ હતી જેના પગલે અમદાવાદમાં પણ અધિકારીઓની જુદી જુદી ટીમોએ તપાસ શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં પણ અત્યંત ખાનગીરાહે અધિકારીઓએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડયા હતાં.
સુરત અને અમદાવાદને સાંકળતા વધુ એક કૌભાંડનો પર્દાફાશ થતાં રાજય સરકાર ચોંકી ઉઠી હતી અને સંડોવાયેલા તમામની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

ડભોલીમાંથી એક શખ્સને ઝડપી લીધા બાદ અમદાવાદમાં દરોડા દરમિયાન કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે આ શખ્સો પાસેથી ૧૦થી વધુ ઈન્જેકશનો મળી આવ્યા છે. ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ અને સુરતમાંથી આવા કુલ ર૮ ઈન્જેકશનો જપ્ત કર્યાં છે. પકડાયેલા શખ્સોની પુછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો મળી હતી આ ઈન્જેકશનો બનાવતી કંપનીના મેનેજરની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી.

ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ગઈકાલ સાંજથી જ અમદાવાદ, સુરતમાં શરૂ કરેલી દરોડાની કાર્યવાહી રાતભર ચાલી હતી. અમદાવાદ અને સુરત બંને શહેરોમાં વ્યાપક પ્રમાણમાં તપાસ કરવામાં આવતા આ એક વ્યવસ્થિત કૌભાંડ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહયુ હોવાનું બહાર આવ્યું હતું આ બંને શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી આ ઈન્જેકશનો મેળવવા માટે દર્દીઓના સગાઓને ભટકવું પડતું હતું

આ વિગતો બહાર આવ્યા બાદ સરકારી તંત્ર સતર્ક બન્યુ હતું અને ગઈકાલથી કામગીરી શરૂ કરતા દવા બનાવતી કંપનીના મેનેજરના નિવાસસ્થાને પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડયા હોવાનું જાણવા મળી રહયું છે. અગાઉ પાર્થ અને સંદિપ નામના શખ્સોની પુછપરછમાં આ કૌભાંડની થોડી વિગતો મળી હતી અને ત્યારબાદ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે આ વધુ એક કૌભાંડ પકડી પાડયંુ છે

સાંજ સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સોના નામ બહાર આવે તેવી શક્યતા છે. અગાઉ નકલી ઈન્જેકશનો બનાવવાની તપાસ હજુ ચાલુ છે ત્યાંજ આ નવું એક કૌભાંડ બહાર આવતા સરકારે સતર્ક બની નકલી ઈન્જેકશન કૌભાંડની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપી દીધી છે જયારે આ નવા કૌભાંડમાં સાંજ સુધીમાં મહત્વપૂર્ણ કામગીરી થવાની છે.

અમદાવાદ, સુરતમાં હજુ પણ આ ઈન્જેકશનોનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે જેના પગલે પકડાયેલા શખ્સોની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.