Western Times News

Gujarati News

ઓક્સફર્ડની વેક્સિનનો મુંબઈ અને પૂણેમાં ટ્રાયલ કરવામાં આવશે

બન્ને શહેરોના હોટસ્પોટથી ચારથી પાંચ હજાર વોલિયન્ટિયર્સની પસંદગી કરીને ટ્રાયલ હાથ ધરાશેઃ વેક્સિનનો ફેઝ-૩ ટ્રાયલ ઓગસ્ટમાં

નવી દિલ્હી, ઑક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનનો ભારતમાં જલદી જ ટ્રાયલ શરૂ થવાનો છે. ઑગષ્ટનાં અંતમાં થનારા આ વેક્સિનનાં માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેનાં હાૅટસ્પોટથી ૪,૦૦૦થી ૫,૦૦૦ વાૅલિયન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે. વેક્સિનનાં સ્થાનિક ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે જો બધું જ ઠીક રહ્યું તો આવતા વર્ષે જૂન સુધી વેક્સિન લાૅન્ચ કરી દેવામાં આવશે.

ઑક્સફર્ડ યૂનિવર્સિટીને કોરોના વેક્સિનનાં ટેસ્ટ સંતોષજનક પરિણામ મળવા લાગ્યા છે અને હવે યૂકેમાં આ મોટા પ્રમાણ પર શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં ઑક્સફર્ડે આ વેક્સિનનાં ઉત્પાદન માટે એસઆઈઆઈને પસંદ કરી છે જે વેક્સિનને લઇ અંતિમ સહમતિ મળ્યા પહેલાં આની ફીલ્ડ ટ્રાયલ કરશે.

પુણેમાં બુધવાર સુધી ૫૯,૦૦૦થી વધારે કોરોના કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓનો આંકડો ૧ લાખને પાર પહોંચી ગયો છે. આખા મહારાષ્ટ્રના કોરોના કેસોમાંથી અડધા આ ૨ શહેરોમાંથી છે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, મુંબઈ અને પુણેમાં વેક્સિન ટ્રાયલ માટે અમે અનેક જગ્યાઓને શાૅર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હાૅટસ્પોટ છે, જેનાથી વેક્સિનના પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે. પૂનાવાલાએ કહ્યું કે, ભારતના દવા નિયંત્રક જનરલની પરવાનગી મળ્યા બાદ વેક્સિનનો ફેઝ-૩ ટ્રાયલ ઑગષ્ટમાં શરૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે કંપની ટ્રાયલ શરૂ કર્યાના ૨ દિવસની અંદર દવા નિયંત્રકને ત્યાં લાયન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે અઠવાડિયામાં અનુમતિ મળી જવાની આશા છે. ત્યારબાદ લગભગ ૩ અઠવાડિયા વાૅલિયન્ટર્સને હાૅસ્પિટલમાં લાવવામાં લાગશે. આ રીતે એકથી બે મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

અદાર પૂનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઇરસ પૂનાવાલાએ જણાવ્યું કે એસઆઈઆઈનું ભારતમાં ૧ હજાર રૂપિયા પ્રતિ વેક્સિન અથવા તેનાથી ઓછા રૂપિયે વેચવાનું લક્ષ્ય છે. અદારે જણાવ્યું કે જો શરૂઆતના ટ્રાયલ સફળ રહે તો કંપની વર્ષના અંત સુધી ૩૦થી ૪૦ કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું કે એસ્ટ્રાજેનેકાની સાથે જે કરાર થયો છે, તેના અનુસાર એસઆઈઆઈ ભારત અને ૭૦ બીજા મધ્યમ આવકવાળા દેશો માટે ૧ અબજ વેક્સિનના ડોઝ બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.