Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૨૦૦થી વધુ હેરકટિંગ સલુનોની હાલત કફોડી

અમદાવાદ: સાયન્સ સિટી રોડ પર છેલ્લા છ વર્ષથી સલુન ચલાવતા અશ્વિન પટેલને હાલમાં જ પોતાનો ધંધો બંધ કરવાની ફરજ પડી છે. કોરોનાને લીધે સલુન પર આવતા ક્લાયન્ટ્‌સની સંખ્યામાં તો ધરખમ ઘટાડો થયો જ હતો, પરંતુ તેની સાથે તેને ચલાવવાનો ખર્ચો વધી જતાં અશ્વિન પટેલ માટે અશક્ય થઈ ગયું હતું. વળી, દુકાનના ભાડાંમાં પણ કોઈ રાહત ના મળતા આખરે અશ્વિન પટેલે છ વર્ષથી ચાલતી પોતાની સલુન બંધ કરી દેવાનો નિર્ણય લેવો પડ્યો.

લોકડાઉન પહેલા ૩૫૦૦ જેટલા ક્લાયન્ટ્‌સ અશ્વિનભાઈની સલુન પર મહિનાભરમાં આવતા હતા. જાેકે, લોકડાઉન ખૂલ્યા બાદ તેમાં મોટો ઘટાડો થયો હતો, અને તેના કારણે આવક ઘટી ગઈ હતી. ખોટમાં ધંધો ચલાવવો શક્ય ના હોવાથી અશ્વિનભાઈએ આખરે તેને સમેટી લેવાનું જ નક્કી કર્યું.

આવી જ હાલત શહેરમાં વર્ષોથી હેર કટિંગ સલુન ચલાવતા મોટાભાગના લોકોની છે. લોકડાઉન બાદ સલુનો ખૂલી તો ગઈ છે, પરંતુ ધંધો ઘટી જતાં દુકાનના ભાડાં, લાઈટ બિલ, સ્ટાફનો પગાર અને અન્ય ખર્ચા કાઢવા ભારે પડી ગયા છે. જેના કારણે અમદાવાદ જેવા શહેરમાં અનેક સલુનોના પાટિયા પડી ગયા છે. ઘણી બંધ થઈ ગયેલી સલુનોના શટર પર તો હાલ દુકાન વેચવાની છે કે ભાડે આપવાની છે તેવા પાટિયા પણ ઝૂલી રહ્યા છે.

અમદાવાદ બાર્બર શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર પનારાના જણાવ્યા અનુસાર, શહેરમાં ૧૨,૦૦૦ જેટલી સલુન્સ આવેલી છે. જેમાંથી ૨૦૦ જેટલી તો લોકડાઉન બાદ ખૂલી જ નથી, કે પછી ખૂલ્યાના ગણતરીના દિવસોમાં બંધ થઈ ગઈ છે. કારણકે, હાલના સમયમાં ખર્ચા કાઢવા પણ ના પોસાતા હોવાના કારણે ધંધો ચલાવવો મુશ્કેલ બની ગયો છે.

જજીસ બંગલો ક્રોસરોડ પર સલુન ચલાવતા હર્ષદ પનારાએ પોતાની દુકાનની સાઈઝ ઘટાડી દીધી છે. તેઓ જણાવે છે કે, દુકાનને રિનોવેટ કરી તેમણે તેની સાઈઝ અડધી કરી દીધી છે. જેથી ભાડાંનો ખર્ચો બચાવી શકાય. હાલ ભાગ્યે જ કોઈ સ્કીન કે બ્યૂટિ ટ્રીટમેન્ટ માટે આવે છે. મોટાભાગના કસ્ટમર્સ વાળ કપાવીને જતા રહે છે. જેથી આવકમાં મોટો ઘટાડો થયો છે, જેથી ધંધો ચાલુ રાખવા ખર્ચામાં ઘટાડો કર્યા સિવાય છૂટકો નથી.

અમદાવાદની એક સલુનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા રોજ ૨૫થી વધુ કસ્ટમર્સ આવતા હતા, જેની સંખ્યા ઘટીને હાલ માંડ છ-સાત જેટલી થઈ ગઈ છે. એટલું નહીં, મોટાભાગના કસ્ટમર્સ તો વાળ કપાવી કે શેવિંગ કરાવી જતા રહે છે. મહિલાઓ પણ બેસિક સર્વિસ કરાવવા કે હેર કલર માટે જ આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.