Western Times News

Latest News from Gujarat

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આર્થિક કટોકટી

વિકાસના નવા કામો રોકવામાં આવ્યા : હાલ ચાલી રહેલા રૂા.ત્રણ હજાર કરોડના કામો પુરા કરવા પર ભાર

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદીનો દોૈર ચાલી રહયો છે. ખાનગી ઉદ્યોગ-ધંધાની સાથે સાથે સરકારી સંસ્થાઓમાં પણ મંદીની અસર જાેવા મળી રહી છે. અમદાવાદ મહાનગર સેવા સદન પણ આ વૈશ્વિક મંદીની ઝપટમાં આવી ગયુ છે જેના કારણે ચૂંટણી હોવા છતાં વિકાસના કામો પર બ્રેક મારવામાં આવી છે.

તેમજ પુર્વ મ્યુનિ. કમિશ્નરે મંજુર કરેલા મોડેલ રોડ સહીતના અનેક પ્રોજેકટોની ફાઈલ અભરાઈએ મુકવાની તૈયારી થઈ રહી છે. જાેકે, શાસકપક્ષને હજી પણ દંભ-દેખાવ માટે ખર્ચ કરવાનો મોહ છુટયો નથી. જેના કારણે જ મનપા માટે “ખિસ્સા ખાલી, ભપકા ભારી” કહેવત ટાંકીને કટાક્ષ થઈ રહયા છે. વિકાસના નામે ચૂંટણી જીતીને ભાજપાએ મનપામાં સત્તા મેળવી હતી. ર૦૦પ થી ર૦૧૦ની ટર્મ દરમ્યાન શહેરમાં વિકાસના અનેક કામ થયા હતા. જેમાં રીવરફ્રન્ટ અને જનમાર્ગ મુખ્ય છે.

આ અરસામાં થયેલ પ્રજાલક્ષી કે વિકાસના કામનો શ્રેય તત્કાલીન કેન્દ્ર સરકારને જાય છે તે સમયે  એનએનયુઆરએમ અંતર્ગત ફાળવવામાં આવેલ અબજાે રૂપિયાની ગ્રાન્ટના કારણે ફલાય ઓવર, સ્ટ્રોમ ઓવર લાઈન સહીતના કામો ઝડપથી થયા હતા.

ર૦૧૦ થી ર૦૧પ દરમ્યાન વિકાસ પર થોડી બ્રેક લાગી હતી, જયારે ર૦૧પથી ર૦ર૦ની ટર્મમાં “વિકાસ” શબ્દનો જ છેદ ઉડી ગયો છે તથા પ્રજાલક્ષી કામો પણ માંડ-માંડ થયા છે. વર્તમાન ટર્મના પ્રથમ ચાર વર્ષ દરમિયાન હોદ્દેદારોની અણ આવડતના કારણે પ્રજાલક્ષી કે વિકાસના કામો થયા નથી. જયારે ર૦ર૦માં આર્થિક કટોકટીના કારણનો પણ તેમાં સમાવેશ થયો છે.

સુત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક દાયકાથી સ્વર્ણિમની ગ્રાન્ટ પર આધારીત કામો થઈ રહયા છે. રાજય સરકાર દ્વારા દર વરસે રૂા.૬૦૦ કરોડ સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત મનપાને ફાળવવામાં આવે છે. તેમાંથી પ્રજાલક્ષી કામ તથા થોડા ઘણા ડેવલપમેન્ટના કામો થતા રહયા છે પરંતુ લોકડાઉન અને કોરોના કાળમાં સરકારની આવક પર પણ અસર થઈ છે.

તેથી સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત કેટલી ગ્રાન્ટ મળશે તે નિશ્ચિત નથી. જેના કારણે વિકાસના તમામ કામ પર બ્રેક મારવામાં આવી રહી છે. પુર્વ કમીશ્નર વિજય નેહરાએ ઝોન દીઠ સી.જી.રોડ જેવા મોડેલ રોડ બનાવવા જાહેરાત કરી હતી તથા તેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ નાણાકીય કટોકટીના કારણે મોડેલ રોડ પ્રોજેકટ હાલ પુરતો બંધ થઈ શકે છે. તેવી જ રીતે મોડેલ શાળા બિલ્ડીંગના પ્રોજેકટ પણ રોકવામાં આવી શકે છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ લગભગ રૂા.ત્રણ હજાર કરોડના વિવિધ કામ ચાલી રહયા છે આ કામો પુર્ણ કરવા પર હોદ્દેદારો ભાર મુકી રહયા છે. મનપાની ચૂંટણી પહેલા ચાલી રહેલા કામો ઝડપથી પુર્ણ થાય તે માટે અધિકારીઓને પણ સુચના આપવામાં આવી છે. રાજય સરકાર તરફથી ઓકટ્રોય અવેજી પેટે દર મહીને રૂા.૬૭.પ૦ કરોડની ગ્રાન્ટ મળે છે પરંતુ તેની સામે રૂા.૧૦૦ થી ૧૧૦ કરોડના સ્થાયી ખર્ચ છે.

જેમાં પગાર ખર્ચ રૂા.પપ કરોડ, પેન્શન ખર્ચ રૂા.ર૩ કરોડ અને લાઈટબીલ ખર્ચ રૂા.૧પ કરોડ મુજબ છે. ઓકટ્રોય અવેજ ગ્રાન્ટની રકમ આ સ્થાયી ખર્ચ પેટે જ ખતમ થઈ જાય છે. લોકડાઉનના કારણે મિલ્કતવેરા, બેટરમેન્ટ ટેક્ષ કે અન્ય કોઈ આવક મનપાને થઈ નથી. જેના કારણે વિકાસના નવા કામો ન કરવા માટે તથા ચાલી રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers