Western Times News

Gujarati News

શાળા સંચાલકોની મનમાનીઃ રાજય સરકાર શાળાઓની મંજૂરી રદ્દ કરશે

Files Photo

જેમણે એડવાન્સ ફી ભરી છે તેવા વિદ્યાર્થીઓનો શું વાંક? સરકારના પગલાઓ પર વાલીઓની નજરઃ  ઓનલાઈન શિક્ષણ બંધ થતા વિદ્યાર્થીઓનું ભણતર ઠપ : 

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના કાળમાં લોકડાઉન છતાં ખાનગી શાળા સંચાલકો ધ્વારા વાલીઓ પાસેથી ફી ની ઉઘરાણી કરવામાં આવતા વાલીઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. શાળાઓ જ બંધ હોય તો સંચાલકો વાલીઓ પાસેથી ફી કઈ રીતે ઉઘરાવી શકે ?? આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ત્યાર પછી સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો.

દરમિયાનમાં હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો કે રાજયમાં આવેલી ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી વસુલી શકશે નહિ. જયારથી શાળાઓ બંધ થઈ ત્યારથી લઈને જયાં સુધી શાળાઓ શરૂ થાય નહિ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી શાળા વાલી પાસેથી વસુલ કરી શકશે નહિ. રાજય સરકારે હાઈકોર્ટના ઓર્ડર બાદ બહાર પાડેલા ઠરાવમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

પરંતુ હવે શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કર્યુ છે ત્યારે શાળા સંચાલકો સામે પગલા લેવાના મુદ્દે સરકાર મૌન કેમ છે ?? તે પ્રશ્ન ઉઠી રહયો છે. શાળા- સંચાલકોની મનમાની કેમ ચલાવી લેવાય છે ??

શાળા સંચાલકો તેમના ચર્ચાતા મુદ્દાઓ આગળ ધરી રહયા છે. પરંતુ રાજય સરકારના ધ્યાન પર એ વાત પણ આવી છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વૈચ્છિક શાળાઓ વિદ્યાર્થી- વાલીઓ પાસેથી ફી ની માંગણી કરી રહયા છે અને ફી ભરવા ફરજ પાડી રહયા છે.

પરંતુ પોતાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને વેતન ચૂકવતી નથી અગર તો પગારમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો કાપ મૂકીને ઓછુ વેતન ચૂકવે છે અમુક શાળાઓએ તો શિક્ષકોને નોકરીઓમાંથી છૂટા કરી દીધા છે એકતરફ પોતાના સ્ટાફને પૂરો પગાર ચુકવવો નથી અને બીજી તરફ વિદ્યાર્થી- વાલીઓ પાસેથી ફી ના ઉઘરાણા કરે છે.

શાળા સંચાલકોએ દાદાગીરી કરીને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે તેનો ચોમેરથી વિરોધ થઈ રહયો છે જે વાલીઓએ એડવાન્સ ફી ભરી દીધી છે તેમનો વાંક- ગુનો શું ??  તેમના છોકરાઓ પણ “ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જશે. વળી વાલીઓએ માર્ચની અડધી ફી ઉપરાંત એપ્રિલ અને મે માસની સંપૂર્ણ ફી ભરી દીધી છે તેઓ સંચાલકોના નિર્ણયથી રોષે ભરાયા છે.

શાળા સંચાલકો જાણે કે મનમાની પર ઉતરી આવ્યા છે વાલીઓ તો કહી રહયા છે કે હવે રાજય સરકારે ખાનગી શાળા- સંચાલકો સામે શિસ્તનો દંડો ઉગામવો જરૂરી થઈ ગયો છે શાળા સંચાલકો સામે જરૂર પડે તો તેમની શાળાનું લાયસન્સ (મંજૂરી) રદ્દ કરી દેવા સુધીના કડક પગલા લેવા જાેઈએ. શાળા સંચાલકો વર્ષે દહાડે લાખો રૂપિયા કમાય છે તેવા આક્ષેપો – દાવા થઈ રહયા છે.

ત્યારે કોવિડ-૧૯ જેવા કપરાકાળમાં વાલીઓની હાલત વિશે વિચાર કરવો જરૂરી બન્યુ છે. જાેકે શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનુ નકકી કર્યુ છે તેનાથી સંચાલકો- વાલીઓ વચ્ચે લડાઈ ઉગ્ર બનશે. તેની સાથે રાજય સરકારનું શિક્ષણ વિભાગ કેવા પગલા લેશે તે જાેવાનું રહેશે?? રાજય સરકાર શાળા સંચાલકો સામે અનેકવિધ પગલા લઈ શકે છે પરંતુ તે દિશા તરફ વિચારાશે કે કેમ ?? તેને લઈને શંકા- કુશંકા વ્યકત થઈ રહી છે.

તો બીજી તરફ વિપક્ષ પણ કહી રહયો છે કે સંચાલકોએ ફી ઉઘરાવી લીધી પછી રાજય સરકાર પરિપત્ર કર્યો તેનો શું મતલબ ?? કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ્‌ મનીષ દોશીએ તો આક્ષેપ કરતા જણાવ્યુ છે કે સરકારની મીલીભગતના કારણે શાળા સંચાલકોને છૂટો દોર મળ્યો છે સરકાર માત્ર શાળા-સંચાલકોની તરફદારી કરી રહી છે.

દરમિયાનમાં અન્ય એક વિદ્યાર્થી અગ્રણી જયોર્જ ડાયસે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે રાજય સરકાર શિક્ષણવેરો લે છે તેના લાખો-કરોડો રૂપિયા હોય છે તે એક વર્ષ માટે શિક્ષણ પાછળ ખર્ચી શકે છે વળી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાંટનો ઉપયોગ પણ શિક્ષણ માટે કરી શકે છે લાખો-કરોડો રૂપિયાની ગ્રાંટ પડી રહી હોય તેનો સદ્‌ઉપયોગ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.