Western Times News

Gujarati News

ઝઘડીયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR હેઠળ વિદ્યા સાથી પ્રોજેક્ટ

જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી જીલ્લાની ૬૨ પ્રાથમિક શાળાઓમાં ૮૧ જેટલી વિદ્યા સાથી શિક્ષિકા બહેનોની કંપની દ્વારા નિમણુંક કરવામાં આવી-કંપની દ્વારા જીલ્લાના ૬૨ ગામોમાં સ્વચ્છતા તેમજ પ્રાથમિક આરોગ્ય જાગૃતિ અભિયાન.

જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કંપની દ્વારા મોબાઈલ વેન ડેન્ટલ કેર પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યો છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસીમાં તેમજ દહેજ એસ.ઈ.ઝેડ માં પોતાના પ્લાન્ટ ધરાવતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિ. કેમિકલ નું ઉત્પાદન કરે છે.સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદન કરતી આરતી ઈન્ડસ્ટ્રીઝ તેના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત વિશેષ કાર્ય કરે છે જે અન્ય ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રેરણાદાયી છે.કંપની દ્વારા ઝઘડિયા તેમજ વાગરા તાલુકાના દહેજની આજુબાજુના ૬૨ જેટલા ગામોની પ્રાથમિક શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના શિક્ષકની નિમણુંક કરી ગરીબ પરિવારનાં દિકરા દિકરીઓ જેઓ લેખન અને વાંચનમાં નબળા રહી ગયા હોય

તેમને અલગ તારવી તેમનું શૈક્ષણિક સ્તર સુધારવાનો ભગીરથ પ્રયાસ કરે છે.આ માટે કંપની દ્વારા ૬૨ ગામોની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.જેમાં ૮૧ શિક્ષિકા બહેનોની નિમણૂક કરી ગામડાઓમાં શિક્ષણનો સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત કંપની દ્વારા ઝઘડિયા અને દહેજના આજુબાજુના ગામોમાં સ્વચ્છતા તેમજ પ્રાથમિક આરોગ્ય જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.

આ અભિયાનમાં દરેક ગામની પ્રાથમિક શાળાના બાળકોની સ્વચ્છતા જાગૃતિ તેમજ તેમના પરિવારની સુખાકારી માટે તેમના રહન-સહન,રોજિંદી સફાઈ,બહેનોના માસિક ધર્મને લગતી જાગૃતિ, તેમજ તંદુરસ્તીને અનુરૂપ પૌષ્ટિક આહાર લેવા માટે પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કાળજી લેવા માટે કંપની દ્વારા મોબાઈલ ડેન્ટલ કેર પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ડેન્ટલ કેરની બધી સાધનસામગ્રી વેનમાં રાખવામાં આવે છે.

કંપનીના આરોગ્યને લગતા પ્રોજેક્ટ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ ગ્રામ વિકાસ ટ્રસ્ટ (જીવીટી) દ્વારા કરવામાં આવે છે. આરતી ગ્રુપના સામાજિક ઉત્તરદાયિત્વની બાબતોના વડા તેમજ વિવિધ ક્ષેત્રની અનેક શૈક્ષણિક, આરોગ્ય સેવા,પર્યાવરણ,રોજગારલક્ષી તાલીમ,પછાત વિસ્તારોનો વિકાસ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા મંગલભાઈ ગઢવી સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ તમામ પ્રોજેકટની કામગીરી સંપૂર્ણ નિઃશુલ્ક ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી તેમજ પર્યાવરણના જતન માટે કરવામાં આવે છે, તેમજ આ વિસ્તારોના સમાજને સ્વાવલંબી બનાવવા,તંદુરસ્ત સમાજનું ઘડતર કરવા, પર્યાવરણના જતન માટે અનેક પ્રોજેક્ટ હાથ પર છે.

જે આવનારા સમયમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, પર્યાવરણ, રોજગારીને ઉચ્ચ મુકામ પર લઈ જશે તેમ તેમણે જણાવ્યું હતું. ફોટોલાઈન : ઝઘડિયા ની આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સીએસઆર હેઠળ આરોગ્ય શૈક્ષણિક પર્યાવરણનું જતન રોજગારી જેવા વિવિધ પ્રોજેક્ટો ચલાવવામાં આવી રહ્યા છે જે તસ્વીર માં જણાય છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.