Western Times News

Gujarati News

દેશના વિર જવાનોને અર્પણ કરવા પાટણ જિલ્લાના ૫૨૧ ગામોમાંથી ‘વિજયસુત્ર’ એકઠા કરવામાં આવ્યા

મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી ‘પહેલી રાખી દેશ કી’ની અપીલના પગલે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા રાખડીઓ એકઠી કરી જિલ્લા કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવી

માહિતી બ્યુરો, પાટણ: જિલ્લા સેવા સદન ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલને રાખડીઓ સુપ્રત કરવામાં આવી હતી. દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત વિર જવાનોને અર્પણ કરવા જિલ્લાના ૦૯ તાલુકાઓ અને ૦૫ નગરપાલિકાઓમાંથી રાખડીઓ એકઠી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, જે આપણી રક્ષા કરે છે તેમને રાખડી અર્પણ કરવાની મુખ્યમંત્રીશ્રીની પહેલના પગલે રાજ્યના ૧૮ હજાર કરતાં વધુ ગામોનો પ્રેમ દેશના જવાનોમાં નવો ઉત્સાહ જગાવશે.

વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આજના સમયમાં યુવાનો સોશિયલ મિડિયા તરફનો ઝુકાવ તેમને સોશિયલ સર્વિસથી દૂર કરી રહ્યો છે ત્યારે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો જે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે પ્રશંસારૂપ છે. સમસ્યા નહીં સમાધાન શોધતા આ યુવાનો જ રાજ્યનો સાચો વિકાસ મૂર્તિમંત કરે છે.

જિલ્લાના ૦૯ તાલુકાના ૫૨૧ ગામોની બહેનો દ્વારા અર્પણ કરવામાં આવેલા ‘વિજયસુત્ર’ દેશનાની સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે.  આગામી તા.૦૩ ઓગષ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક અનોખી ભાવનાત્મક પહેલ કરવામાં આવી છે.

જે અંતર્ગત પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવતા વિર સૈનિકોને રક્ષાસુત્ર અર્પણ કરવા અપીલ કરવામાં આવી. ‘પહેલી રાખી દેશ કી’ ની ભાવના સાથે રાજ્યના ૧૮,૩૦૦થી વધુ ગામોની બહેનો પાસેથી રાખડીઓ એકઠી કરી સેનાના જવાનોને અર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળના વાલીશ્રી હિતેન્દ્રભાઈ રાવ તથા અન્ય હોદ્દેદારો અને સંગઠન પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ તથા અન્ય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.