Western Times News

Gujarati News

મહિલા એલઆરડી આત્મહત્યા કેસમાં ૧૧ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ર૦ દિવસ પહેલા પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો અને સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં પોતાના મુળ ગામ વડનગરમાં પાડોશીઓ દ્વારા તેના પરિવાર ઉપર ગુજારવામાં આવતા ત્રાસથી કંટાળી અને પોતાના પરિવારને ન્યાય નહી અપાવી શકી હોવાનો ખેદ વ્યકત કરતી સ્યુસાઈડ નોટ લખી હતી.

કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ આપઘાત કરતા પહેલા લખેલી
સ્યુસાઈડ નોટના આધારે ચાંદખેડા પોલીસની કાર્યવાહી

જેના આધારે ચોંકી ઉઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક આ ઘટનાની તપાસ શરૂ કરાવી હતી અને ગઈકાલ મોડી સાંજે મૃતક મહિલા કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટમાં દર્શાવેલા તમામ ૧૧ વ્યક્તિઅો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ વડનગરની વતની ફાલ્ગુની શ્રીમાળી એલઆરડીની ભરતીમાં પાસ થઈ હતી અને તેનુ પોસ્ટીંગ અમદાવાદમાં થયું હતું.
અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવતી હતી મુળ તે વડનગરની રહેવાસી હતી અને ત્યાં તેનો પરિવાર પણ રહેતો હતો વડનગરમાં તેની બાજુમાં જ રહેતા એક પરિવારના સભ્યો ફાલ્ગુની શ્રીમાળીના પરિવાર પર ત્રાસ ગુજારતા હતા.

(૧) કાંતિભાઈ પરમાર 

(ર) રાજન કાંતિભાઈ પરમાર

(૩) જયેશ પરમાર 

(૪) જયેશની પત્નિ

(પ) કાળીબેન પરમાર

(૬) ભુરીબેન પરમાર

(૭) કમળાબેન પરમાર 

(૮) પુષ્પાબેન પરમાર

(૯) અરવિંદભાઈ પરમાર

(૧૦) રિધમ પરમાર

જેના પરિણામે તેનો પરિવાર ત્રાહીમામ પોકારી ગયો હતો. પાડોશી પરિવારનો ત્રાસ ખૂબજ વધવા લાગ્યો હતો બીજીબાજુ પોલીસ ખાતામાં નોકરી કરવા છતાં ફાલ્ગુની શ્રીમાળી પાડોશી પરિવાર સામે કોઈ કાર્યવાહી કરી શકી ન હતી જેનો તેને અફસોસ રહેતો હતો અને તે માનસિક રીતે પણ ખૂબ જ વ્યથિત જણાતી હતી.
દરમિયાનમાં તા.૧પ.૬ ના રોજ પાડોશી પરિવારના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.


એલઆરડી ફાલ્ગુની શ્રીમાળીના આપઘાતની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘરની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન મરતા પહેલા ફાલ્ગુની શ્રીમાળીએ ચીઠ્ઠી લખી હતી જે ચીઠ્ઠી પોલીસને મળી હતી ફાલ્ગુનીએ સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારી વિગતો જણાવી હતી. ચીઠ્ઠીમાં તેણે જણાવ્યું હતું કે તેના મૃત્યુ માટે પરિવારનો એક પણ સભ્ય જવાબદાર નથી.

પરંતુ વડનગરમાં તેની બાજુમાં રહેતો પાડોશી પરિવારના સભ્યોના ત્રાસથી આ પગલું ભરી રહી છે.  પાડોશી પરિવાર દ્વારા તેના પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવતો હતો જેના પરિણામે પોતાનો પરિવાર માનસિક રીતે ત્રસ્ત બની ગયો હતો એટલું જ નહી.

પરંતુ તેની મહિલા એલઆરડી તરીકે નોકરી હોવા છતાં તે પોતાના પરિવારને ન્યાય નહોતી અપાવી શકી અને પાડોશી પરિવાર સામે કાર્યવાહી પણ કરી શકી ન હતી જેનો ખૂબ જ અફસોસ છે આ ચીઠ્ઠીમાં તમામ પાડોશીના નામ લખેલા હતાં. ફાલ્ગુની શ્રીમાળીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને સ્યુસાઈડ નોટના આધારે તપાસ કરવા માટે ખાસ ટીમ બનાવી હતી તપાસના અંતે ફાલ્ગુની શ્રીમાળીનો પરિવાર પાડોશી પરિવારના ત્રાસથી ખૂબજ વ્યથિત હતો તેવુ જણાતા જ ઉચ્ચ અધિકારીઓએ ગંભીર એવી આ ઘટનામાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

જેના આધારે ચાંદખેડા પોલીસે ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વડનગરમાં રહેતા (૧) કાંતિભાઈ પરમાર (ર) રાજન કાંતિભાઈ પરમાર (૩) જયેશ પરમાર (૪) જયેશની પત્નિ (પ) કાળીબેન પરમાર (૬) ભુરીબેન પરમાર (૭) કમળાબેન પરમાર (૮) પુષ્પાબેન પરમાર (૯) અરવિંદભાઈ પરમાર (૧૦) રિધમ પરમાર અને (૧૧) સેન્ડી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.