Western Times News

Gujarati News

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સજીવ ખેતીના યુવા પ્રચારક “બાયસિકલ મેન ઓફ ઈન્ડિયા” નો પ્રેરણાત્મક વેબિનાર યોજાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) : કોવિડ-૧૯ની વિપરીત પરિસ્થિતીમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ ધ્વારા નિયમિત ઓનલાઈન કાર્યક્રમો કરવામાં આવે છે તેના ભાગરૂપે નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ દ્વારા વિધાર્થીઓ અને સ્ટાફ માટે શ્રી નિરજકુમાર પ્રજાપતિનો પ્રેરણાત્મક યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. શ્રી નિરજકુમાર પ્રજાપતિ સાયકલ યાત્રા દ્વારા સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર કરે છે. જેમને “બાયસિકલ મેન ઓફ ઈન્ડિયા”ના નામથી પણ ઓળખવામાં આવે છે.

કાર્યક્રમની શરૂઆત સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ, ડૉ. કે.પી.ઠાકર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનું શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. વી. ટી. પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સજીવ ખેતી આજની માંગ છે. આજે કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકશ્રીઓની સરાહના કરતાં જણાવ્યુ કે, સજીવ ખેતી ઘણા ખેડૂતો ખૂબ સફળ રીતે કરે છે અને તેઓ પાસે જઈને શ્રી નિરજકુમાર પ્રજાપતિએ જે અનુભવો મેળવ્યા છે એ કૃષિના વિધાર્થીઓ અને સ્ટાફ માટે ખૂબ જ પ્રેરણારૂપ અને ઉપયોગી થશે.

ઉદઘાટન પ્રવચનમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.આર.કે.પટેલે જણાવ્યુ કે, કૃષિ ક્ષેત્રમાં રસાયણોના વધુ પડતાં ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે. તેમજ પાકની ગુણવત્તા પણ બગડી છે. સજીવ ખેતી ધ્વારા આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકીએ છીએ અને મોંઘા રસાયણોમાં થતાં ખોટા ખર્ચ પણ બચાવી શકીએ છીએ. સજીવ ખેતીએ કોઈ નવી બાબત નથી. દેશના હજી પણ ઘણાં વિસ્તારોમાં ખાસ કરીને પહાડી વિસ્તારમાં કૃષિ રસાયણોનો નહિવત ઉપયોગ થાય છે.

તે વિસ્તારમાં સજીવ ખેતીની ખૂબ શક્યતાઓ રહેલી છે. ડૉ.આર.કે.પટેલે જણાવ્યુ કે, શ્રી નિરજકુમાર પ્રજાપતિ કે જેઓ ૧,૧૧,૧૧૧ કી.મી. સાયકલ યાત્રા પર સજીવ ખેતી બાબતે ખેડૂતોને જાગૃત કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. કૃષિના વિધાર્થી ન હોવા છતાં ખેડૂતો માટે તેમનું આ કાર્ય અને લાગણી ખૂબ જ સરાહનીય છે. તેમની યાત્રા દરમ્યાનના અનુભવો ખેડૂતો અને વિધાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ સાબિત થશે. તેમણે કૃષિના વિધાર્થીઓ કે જેઓ કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતીમાં પોતાના ઘરે છે

ત્યારે તેઓ પોતાના ગામ અને આસપાસના ખેડૂતોને ટેલિફોનીક માર્ગદર્શન આપે છે. તેમજ પોતાની ખેતીમાં નવીનતા લાવી બીજા માટે પ્રેરણારૂપ બને તેવી અપીલ કરી હતી.  શ્રી નિરજકુમાર પ્રજાપતિએ પોતાની સાયકલ યાત્રાની શરૂઆત વિશે વાત કરતાં જણાવ્યુ કે, તેમણે કૃષિમાં થતાં આડેધડ રસાયણોના ઉપયોગને જોઈને સજીવ ખેતીના પ્રચાર-પ્રસારનો વિચાર આવ્યો અને તેઓએ ૧,૧૧,૧૧૧ કી.મી.ની સાયકલ યાત્રા દ્વારા ખેડૂતોને સજીવ ખેતી બાબતે જાગૃત કરવાનો દ્રઢ સંકલ્પ લઈ નીકળ્યા છે. આ જ સમયમાં તેઓએ કેન્સર ટ્રેન વિશે સાંભળ્યું હતું.

જેના પછી તેમણે આ બાબતે ખેડૂતોને જાગૃત કરી સજીવ ખેતી કરતાં થાય તેવા પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધીમાં તેઓએ ૧૫,૦૦૦થી વધારે કી.મી.ની મુસાફરી કરી છે. જેમાં તેમણે અનુભવેલ ખેડૂતોની વિવિધ સજીવ ખેતીની પધ્ધતિઓ અને તેમની માર્કેટિંગ પ્લાન વિશે વિગતવાર સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પોતાની યાત્રા માટે વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળતાં સહકારની સરાહના કરી હતી. અંતમાં કાર્યક્ર્મમાં વિધાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું શ્રી નિરજકુમાર પ્રજાપતિએ નિરાકરણ કર્યુ હતું.

આ કાર્યક્ર્મનું સફળ સંચાલન ડૉ.એચ.બી.પટેલ, ડૉ. સંજય પંડ્યા અને ડૉ.સી.કે.દેસાઇ દ્વારા કરવામાં આવી હતી. આ યુ-ટ્યુબ લાઈવ પ્રોગ્રામમાં દેશ-વિદેશના અંદાજે ૧૦૦૦થી વધારે લોકોએ લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.