Western Times News

Gujarati News

ચાલુ નોકરીએ અવસાન થતા સહાય માટે વર્ષ સુધી અરજી થશે

મુખ્યમંત્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય-નોકરી દરમિયાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીના આશ્રિતો ઉચ્ચક નાણા સહાય માટે ૧ વર્ષ સુધી અરજી થશે
અમદાવાદ, રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા કર્મયોગીઓના આશ્રિતોને મોટી રાહત આપતો આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે.

તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.

મુખ્યમંત્રીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય ૬ માસથી વધારી ૧ર માસ એટલે કે ૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.