Western Times News

Latest News from Gujarat

ગુજરાતમાં અનલોક-૩ અંગે આજે જાહેરાત કરાશે

અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કફર્યુ સંપૂર્ણપણે ઉઠાવી લેવાયો છે તો બીજા અનેક પગલાઓની જાહેરાત કરાઈ છે ત્યારે ગુજરાતમાં અનલોક-૩ ને લઈને આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં અનલોક-૩ને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવશે. હાલમાં વેપાર-ધંધાનો સમય રાત્રીના આઠ વાગ્યા સુધીનો છે અને કફર્યુનો સમય રાત્રીના દસ વાગ્યાનો છે ત્યારે અનલોક-૩ માં વેપાર-ધંધાના સમયગાળામાં વધારો કરવાની સાથે રાત્રી કફર્યુ રાખવો કે કેમ ?? તે અંગે ચર્ચા- વિચારણા કરાશે રાત્રી કફર્યુનો અત્યારે ૧૦ વાગ્યાનો સમય વધારવામાં આવે તેમ મનાય છે.

તેમ છતાં આ કિસ્સામાં કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવામાં આવશે તો કફર્યુ સંપૂર્ણપણે દૂર કરાશે. આગામી દિવસોમાં તહેવારોની વણઝાર આવી રહી છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના વિશેષ મહત્વને જાેતા ત્યાં નિયમોને વધુ કડક કરવા અંગે નિર્ણય લેવાશે. તાજેતરમાં મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે ગયા ત્યારે તેમની સમક્ષ તહેવારો દરમિયાન “મીની લોકડાઉન”ની માંગણી કરાઈ હતી પરંતુ ગુજરાતમાં પુનઃ લોકડાઉનની સંભાવનાનો છેદ મુખ્યમંત્રીએ આ અગાઉ ઉડાડી દીધો હતો

આજે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ મળનારી બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરાશે. જયારે ગુજરાતમાં કેન્દ્રની ગાઈડલાઈનનો કઈ રીતે અમલ કરવો તે સંદર્ભે મહત્વના નિર્ણય લેવાશે. વેપાર- ધંધા તથા કફર્યુના સંદર્ભમાં આજે મોડી સાંજ સુધીમાં અનલોક-૩ નવી ગાઈડલાઈનની જાહેરાત રાજય સરકાર કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં તહેવારોને લઈને રાજય સરકાર ચિંતિત છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે અને સાતમ – આઠમ સહિતના તહેવારો નજીકમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં તહેવારોના સમયગાળામાં કેવા પ્રકારના પગલા લેવા તેને લઈને બેઠકમાં વિસ્તૃત ચર્ચા- વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers