Western Times News

Gujarati News

૬ મહિનામાં સેનાએ ૪ ટોપ આતંકી કમાન્ડર સહિત ૧૩૮ આતંકી ઠાર માર્યા

ગત વર્ષના શરૂઆતના ૭ મહિનામાં આતંકી હુમલાની ૧૮૮ ઘટનાઓ બની હતી. આ વર્ષે આંકડો ઘટીને ૧૨૦ થઈ ગયો

નવીદિલ્હી, ભારત સરકારના ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવાયા પછી આતંકી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ડેટા જમ્મુ કાશ્મીર પોલીસ, ઈન્ડિયન આર્મી અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના કંપાઈલ રિપોર્ટમાંથી તૈયાર કરાયો છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવાયો હતો. આ વર્ષે તેને એક વર્ષ પુરુ થઈ જશે. ગત વર્ષના શરૂઆતના ૭ મહિનામાં આતંકી હુમલાની ૧૮૮ ઘટનાઓ બની હતી. આ વર્ષે આંકડો ઘટીને ૧૨૦ થઈ ગયો છે. ૧૩૮થી વધુ આતંકી આ વર્ષે માર્યા ગયા છે. જેમાંથી એક ડઝનથી વધુ તો એવા છે જેમને ઈન્ડિયન આર્મીએ નોર્થ કાશ્મીરના એસઓસી પર ઠાર માર્યા છે. ગત વર્ષે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પહેલા માત્ર ૧૨૬ આતંકી ઠાર મરાયા હતા. જ્યારે ૭૫ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી ૩૫ સુરક્ષાકર્મી શહીદ થયા છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૧૫ ચિનાર કોપ્સના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને પાકિસ્તાનને ચેતવણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની આર્મી અને આઇએસઆઇએસ જે કરવા માંગે તે કરી લે. પણ અમને એમને એવા પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ પણ યાદ રાખશે. અમે ૧૯૭૧થી પણ વધારે સારો પાઠ ભણાવીશું. તેમની ચેતવણીના પરિણામ રૂપે કાશ્મીરમાં પાકિસ્તાનના ટોપ આતંકવાદીઓ ઠાર થયા.

ઈન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે, ૩૦૦થી વધુ આતંકવાદી સરહદ પારથી ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ ઈન્ડિયન આર્મી અને બીએસએફના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના ૫૦, લશ્કરના ૨૦ અને આઇએસજેકે અને અનસાર ગજવત ઉલ હિન્દના ૧૪ આતંકી ઠાર મરાયા છે. જેમાં હિજબુલ કમાન્ડર રિયાજ નાયકૂ, લશ્કર કમાન્ડર હૈદર, જૈશ કમાન્ડર કારી યાસિર અને અંસરનો બુરહાન કોકા સામેલ છે. ગૃહ મંત્રાલયનો દાવો છે કે આ વર્ષે સ્થાનિક સ્તરે આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાનોની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯ના પહેલા ૬ મહિનાની તુલનામાં આ વર્ષે ૬૭ યુવાન આતંકી બન્યા છે. જેમાંથી મોટાભાગના અનટ્રેઈન્ડ છે, જેમનું બ્રેઈન વોશ કરાયું છે. એટલા માટે આ લોકો ૩૦ દિવસ કરતા વધુ સમય ટકી નહી શકે.

આ વર્ષે ૧૧૦ સ્થાનિક આતંકી ઠાર મરાયા છે જે પાકિસ્તાન માટે ચિંતાનું કારણ છે. આ સાથે જ અલગ અલગ આતંકી ઓપરેશનમાં બે ડઝનથી વધુ પાકિસ્તાની આતંકી પણ ઠાર મરાયા છે. છેલ્લા સાત મહિનામાં જમ્મુ કાશ્મીર પોલીસે ૨૨ આતંકી અને તેમના ૩૦૦ સહયોગીઓની ધરપકડ કરી છે. આ સાથે જ તેમના ૨૨ ઠેકાણાનો પણ ખુલાસો થયો છે, જ્યાં આ લોકો હથિયાર અને દારૂગોળો રાખે છે. આ વર્ષે ૧૯૦થી વધુ હથિયાર જપ્ત કરાયા છે.જેમાંથી ૧૨૦ અલગ અલગ એન્કાઉન્ટર સાઈટ પરથી જપ્ત કરાયા છે. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ૩૬%નો ઘટાડો થયો છે. ગત વર્ષે ૫૧ ગ્રેનેડ અટેક થયા હતા, જ્યારે આ વર્ષે માત્ર ૨૧ થયા છે. ૨૦૧૯મા ૬ આઇઇડી અટેક થયા હતા જેમાં એક પુલવામામાં પણ થયો હતો જ્યાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી માત્ર એક આઇઇડી અટેક થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.