Western Times News

Gujarati News

વૃધ્ધ દંપતીના ખાતામાંથી ગઠીયાઓએ રૂા.૧૦.ર૩ લાખ ઉપાડી લીધા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે ખાસ કરીને ઓનલાઈન છેતરપીંડી આચરતી પરપ્રાંતિય ટોળકીઓએ હાહાકાર મચાવ્યો છે.

સામાન્ય નાગરિકો પાસેથી આધારકાર્ડ સહિતની વિગતો મેળવી તેમના ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લેવાની તથા સોશ્યલ મીડીયા પર લલચામણી જાહેરાતો આપી નાગરિકો સાથે છેતરપીંડી આચરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે.
જેના પગલે નાગરિકોમાં ભારે ફફડાટ જાેવા મળી રહયો છે. નોટબંધી બાદ બેકીંગ કાર્યવાહી વધારવાના આશ્રયથી બેંકોમાં ખાતાઓની સંખ્યા વધી ગઈ છે અને તેનો ભરપુર લાભ ગઠીયાઓ ઉઠાવવા લાગ્યા છે પોલીસતંત્ર પણ ઓનલાઈન છેતરપીંડી આચરતી આ ટોળકીઓ સામે લાચાર બની ગયુ હોય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.

શહેરના એસ.જી. હાઈવે પર રહેતા એક વૃધ્ધ દંપતીને ગઠીયાએ ફોન કરી બેંકના ખાતાની વિગતો મેળવ્યા બાદ ખાતામાંથી બારોબાર રૂા.૧૦.ર૩ લાખની રકમ ઉપાડી લેતા સનસનાટી મચી ગઈ છે. સરખેજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે લોકડાઉન બાદ અનલોકમાં વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવી છે જેના પરિણામે દુકાનો અને બજારો ધમધમતા થઈ ગયા છે આ પરિસ્થિતિમાં ગઠીયાઓ પણ સક્રિય રીતે નાગરિકો સાથે છેતરપીંડી આચરવા લાગ્યા છે.
સોશ્યલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં લોભામણી જાહેરાતો આવી રહી છે પરંતુ તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી અને સામાન્ય નાગરિકો તેનો ભોગ બની રહયા છે.

ગઠીયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી છેતરપીંડી આચરી રહયા છે. નાગરિકોને મોબાઈલ ફોન કરી વિવિધ ખાતાના અધિકારીઓની ઓળખાણ આપી ગઠીયાઓ વિગતો એકત્ર કરી રહયા છે. શહેરના એસ.જી. હાઈવે પર કર્ણાવતી કલબની પાછળ સ્પ્રીંગ વેલીમાં રહેતા વૃધ્ધ વિશ્રામભાઈ વેકરિયાના ઘરે ગઠીયાએ ફોન કર્યો હતો અને અધિકારી હોવાની ઓળખ આપી વાતચીતનો દોર શરૂ કર્યો હતો. ગઠીયાએ વિશ્રામભાઈ તથા તેમની પત્નિના બેંક ખાતાની માહિતી તથા આધારકાર્ડની વિગતો મેળવી હતી.

ગઠીયાઓએ આ માહિતી મેળવ્યા બાદ પતિ-પત્ની બંનેના બેંક ખાતામાંથી થોડા થોડા સમયે કુલ રૂા.૧૦.ર૩ લાખ જુદા જુદા ટ્રાન્ઝેકશનથી ઉપાડી લીધા હતા આ અંગેના મેસેજ આવતા જ વિશ્રામભાઈ ચોંકી ઉઠયા હતાં. વૃધ્ધ દંપતીના ખાતામાંથી આટલી મોટી રકમ બારોબાર ઉપાડી લેવામાં આવતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.

તેમણે તાત્કાલીક સરખેજ પોલીસનો સંપર્ક સાધ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને સૌ પ્રથમ સ્ટોપ પેમેન્ટ કરાવી વિશ્રામભાઈના ફોન પર આવેલા મેસેજાે તથા ફોન નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરખેજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેકટર બી.બી. ગોયલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહયા છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.