Western Times News

Latest News from Gujarat

ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા TDOની નોટિસનો ખુલાસો આપ્યો

તાલુકા વિકાસ અધિકારી દ્વારા વંઠેવાડ પંચાયતની હદમાં લગાવેલ અનુસૂચિ ૫ ના જન જાગૃતિના બોર્ડ બાબતે નોટિસ આપી ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું.

વંઠેવાડના સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયતને નોટિસ આપવાના બદલે જિલ્લા તથા રાજ્ય સરકારનો માર્ગદર્શન મેળવ્યુ હોત તો ઉચિત ગણી શકાતે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી અને વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે કાયદાકીય ખેલ દિવસે દિવસે વધી રહ્યો છે.દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિજાતિ સલાહકાર સમિતિના સદસ્ય મહેશ વસાવાની અધ્યક્ષતામાં વંઠેવાડ ગ્રામ પંચાયત અનુસૂચિ ૫ ને લગતી જનજાગૃતિ માટે બોર્ડ લગાવવામાં આવ્યા હતા

તેમ કહેતા કાયદાકીય લડત વધુ તેજ બની રહી છે.ગત તા. ૨૨.૭.૨૦ રોજ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના સરપંચને બોર્ડમાં લખેલી જોગવાઈ નહીં માનનાર દેશદ્રોહી છે.તેવા લખાણ બદલ ખુલાસો માંગ્યો હતો જેના સંદર્ભમાં આજરોજ વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ કુમાર ઇશ્વરભાઇ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને પાંચ મુદ્દામાં ખુલાસો આપી જણાવ્યું છે (૧) તારીખ ૨૪ એપ્રિલ ૧૯૯૩ના બંધારણ સંશોધન અધિનિયમ જે સંવિધાન નવમાં ભાગમાં સમાવેશ છે

જેમાં પંચાયતોને ગ્રામીણ ભારત અનુસૂચિત ક્ષેત્રોમાં સ્વશાસન અંગે ગ્રામસભામાં વિશેષ જોગવાઈ કરેલ છે.સંવિધાનના અનુચ્છેદ મુજબ અનુસૂચિત ક્ષેત્રોમાં તથા જનજાતિ ક્ષેત્રમાં તે લાગુ કરવાની જોગવાઇઓ છે. આમ પંચાયતની જોગવાઈઓ અને વિસ્તાર અધિનિયમ પૈસા કાયદા અનુસાર આદિજાતિ સલાહકાર સમિતિના સદસ્ય અને ડેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઇ છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને વંઠેવાડ ગ્રામ પંચાયતની હદમાં અનુસૂચિ ૫ ની જનજાગૃતિના બોર્ડ લગાવ્યા હતા. જેમાં બંધારણની કલમો ટાંકવામાં આવી છે.

આ કલમો માત્રને માત્ર ગ્રામીણ વસ્તી ના જન જાગૃતિના હેતુથી લખાણ કરેલ છે. સંવિધાનનો દ્રોહ કરવો એ રાષ્ટ્ર દ્રોહનો ગુનો છે. જેની જાણકારી આપવાનો માત્ર ઉદ્દેશ હતો. ૨૦૧૭માં રાજ્ય સરકારે પૈસા કાયદાની અમલવારી શરૂ કરેલ છે. ગ્રામસભાને મળેલ સત્તાઓ માટે રાજ્ય સરકાર ખુદ અભિયાન ચલાવે છે અને આ અંગે અનેક સેમિનાર થયેલ છે (૨) ઝઘડિયા તાલુકો ગુજરાત રાજ્ય અનુસૂચિ ૫ વિસ્તારમાં આવે છે અને અનુસૂચિ ૫ વિસ્તારના કર્તાહર્તા રાજ્યપાલ છે

આથી અનુસૂચિ ૫ વિસ્તારમાં આવતી ગ્રામસભાને લગતી માહિતી મેળવવા માટે રાજ્યપાલની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું (૩) તાલુકા વિકાસ અધિકારીએ આપેલ નોટિસ બાબતે તેમણે જિલ્લા રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવ્યું હોત તો તે ઉચિત ગણાયુ હોત તેમ જણાવ્યુ છે (૪) તાલુકા વિકાસ અધિકારી તાલુકાના વિકાસ માટેના અમલીકરણ અધિકારી છે તેમણે રાજકીય પાર્ટીના કેટલાક વિઘ્નસંતોષી ઇસમોના કહેવાથી ગ્રામસભાની જોગવાઈઓને પ્રજા સમક્ષ વ્યક્તિ તરીકે સરપંચને નોટિસ આપી હેરાન પરેશાન કરવાનું કૃત્ય કરેલ છે તેમનું માનવું છે.

બંધારણની જોગવાઇઓની જાણકારી આપીએ ગ્રામ સભાના અધ્યક્ષ તરીકે નૈતિક જવાબદારી અને ફરજ છે તેમ તે સમજે છે.જેથી બોર્ડ લગાવવાનો ઉદ્દેશ માત્રને માત્ર જનજાગૃતિનો છે. બંધારણમાં શોષણ વિરોધની અધિકારીની પણ સંવિધાનિક જોગવાઈઓ છે જેનો ભંગ રાષ્ટ્રજોગ જણાય છે. જેથી ગ્રામજનોના હિતમાં સરપંચને આપેલ નોટિસ પૂર્વગ્રહયુક્ત પક્ષપાત ભરેલી ભેદભાવ યુક્ત હોય એ સાબિત થઇ રહેલ છે (૫) આઝાદ ભારતમાં આદિવાસી વિસ્તારમાં વસતા આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ સભ્યતા ઓળખ તથા આદિવાસી સમાજની આજીવિકા તથા જીવન નિર્વાહના સ્તોત્ર જળ, જંગલ, જમીન, જંગલ પેદાશો ની રક્ષા કરવા માટે અનુસૂચિ ૫ નું પ્રાવધાન ભારતના સંવિધાનમાં આપેલ છે તથા અનુસૂચિ ૫ ના પેટા અધિકાર તરીકે પેસા કાનુનની અમલવારી તથા પ્રાવધાન કરવામાં આવેલ છે

જેમાં ગ્રામસભાની હદમાં આવેલ તમામ માલ મિલકત તેમજ ગ્રામજનોની રક્ષા કરવાનો અધિકાર તથા હકો ગ્રામસભાને આપવામાં આવેલ છે.આથી વંઠેવાડ ગ્રામપંચાયતમાં તમામ માલ મિલકત તથા ગ્રામજનોની સુરક્ષા માટે અનુસૂચિ ૫ ની ગાઈડલાઈન મુજબ બોર્ડ લગાવવામાં આવેલ છે.જેમાં કોઈ માહિતી સંવિધાન મુજબ ખોટી સાબિત નથી થતી એવું સરપંચનું માનવું છે જેની તેમને નોંધ લેવા જણાવ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers