Western Times News

Latest News from Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર

પારકાને પોતાના માની લાગણીઓ સાથે ભાઈ-બહેનના સંબંધથી કોરોના દર્દી અને સિવિલકર્મીઓ જોડાયા

ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ જ હતાશ અને ચિંતીત હતા. ચિંતા ભાઈના સ્વાસ્થયને લઈને અને હતાશા જીવનમાં પ્રથમ વખત ભાઈને સૂતરના તાંતણે રાખડી નહીં બાંધી શકવાના કારણે…
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજયભાઈ અને તેમના બહેનની દરકાર કરીને સિવિલતંત્ર દ્વારા વિડીયો કોલિંગ મારફતે વિધિવત રીતે રક્ષાબંધનની ઉજવણી કરાવવામાં આવી હતી. દર્શનાબહેને વીડીયો કોલિંગની મારફતે રક્ષાબંધનની સમગ્ર વિધીની તબક્કાવાર દોરવણી કરી અને અહીં કોરોના વોર્ડમાં પેશન્ટ અટેન્ડેન્ટ પ્રિયંકા બેન દ્વારા અજયભાઈને પ્રતિકાત્મક રાખડી બાંધવામાં આવી..આ રાખડી બાંધ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં બેસેલા દર્શનાબેને અજયભાઈ ને કોરોના સામે અજય થવાના આશીર્વાદ આપ્યા હતા.

કોરોનાની સારવાર લઈ રહેલા મણિનગરના નિકિતાબેન પટેલ પણ સમગ્ર કોરોના વોર્ડમાં થઈ રહેલી રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી જોઈને પોતાના ભાઈ અનુપને ખૂબ યાદ કરવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈ સિવિલ હોસ્પિટલની સેનેટરી ઈન્સ્પેક્ટર જયમીન બારોટ બહેન પાસે પહોંચ્યા અને કહ્યુ બહેન તમે ચિંતા ના કરશો હું પણ તમારો ભાઈ જ છું.

નિકિતાબેન તમામ દુ:ખ ભૂલીને હર્ષભેર જયમીનભાઈમાં જ પોતાના ભાઈની છબી જોઈ તેમને રાખડી બાંધી દીર્ધાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા. જયમીનભાઈએ પણ નિકિતાબેનની કોરોના સામે જ નહીં જીવનની દરેક કપરી પરિસ્થિતિમાં રક્ષા કરવાનુ વચન આપ્યુ હતુ.  કોરોનાની પરિસ્થિતિમાં સારવાર લઈ રહેલા દર્દીનું પોતાના પરિવારથી વિખૂટા રહેવું સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિઓમાં દર્દીને પ્રેમ, હૂંફ મળી રહે દર્દી એકલવાયુ ન અનુભવે તે ખૂબ જરૂરી છે. ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા કે જેઓ જીવનમાં પહેલી વખત પોતાના ભાઈ કે બહેનથી દૂર રહીને આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકવા સક્ષમ ન હતા.

આ સમગ્ર લાગણીઓને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના સગાની દરકાર કરીને અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર વ્યવસ્થાપનમાં સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી, એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોશી, અન્ય તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ પેશન્ટ અટેન્ડેન્ટના ઉત્સાહ અને સધન પ્રયાસોના કારણે ૧૨૦૦ બેડમાં સારવાર લઈ રહેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

સિવિલની કોરોના ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં માં સારવાર લઈ રહેલા તમામ કોરોના દર્દીઓને સિવિલ તંત્ર દ્વારા સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતુ. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને વીડિયો કોલ મારફતે વોર રૂમમાંથી સિવિલ તંત્ર દ્વારા તેમની બહેનને સંપર્ક કરાવી રૂબરૂ કરાવવામાં આવ્યા હતા. આ વીડિયો કોલ મારફતે વિધિવત રીતે કંકુ, ચોખાથી વિજય તિલક કરી, દીર્ધાયુ માટેના મંત્રોચ્ચાર કરી, રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનાગ્રસ્ત ભાઈઓને સિવિલના નર્સિંગ સ્ટાફ, તેમજ સેવા-શુશ્રુષા કરી રહેલા પેશન્ટ અટોન્ડ દ્વારા સૂતરના તાંતણે બાંધીને બહેનની કમી પૂરી કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કોરોનાગ્રસ્ત બહેનોએ સિવિલના તબીબો, અન્ય સ્ટાફ મિત્રોની સેવા-શુશ્રુષા બિરદાવી તેમના દીર્ધાયુ માટે રાંખડી બાંધીને તેમનાથી રક્ષાના વચન લીધા હતા.. આજે સિવિલ તંત્રની સંવેદનશીલતાના કારણે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ ભાવવિભોર બન્યા હતા. સમગ્ર વોર્ડમાં આજે હર્ષની લાગણીઓ વાટે દર્દીઓ, તેમના બહેનો, તબીબોમાં, નર્સિંગ સ્ટાફમાં અશ્રુધારા વહી હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ઉજવણી થઈ રહેલા રક્ષાબંધનનેે ૨૯ વર્ષ પછી અનાખો સંયોગ જોડાયો છે. આ તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના હેતના આ પવિત્ર તહેવારે અનોખો સંયોગ રચાયો છે. સર્વાર્થ સિધ્ધિ અને દીર્ધાયુ આયુષ્યમાનનો શુભ સંયોગ લગભગ ૨૯ વર્ષ પછી આવ્યો છે. આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો છાંયડો પણ રક્ષાબંધન પર પડવાનો નથી.ખરા અર્થમાં અસામાન્ય પરિસ્થિતિઓ વચ્ચે પણ આવા સંયોગના કારણે  ૨૦૨૦ નો આ રક્ષાબંધન પર્વ યાદગાર બની જવા પામ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers