Western Times News

Gujarati News

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા

Files Photo

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં ૮ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણા ૧.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. આમ, લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે.

રાજ્યમાં આજે સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાતેય તાલુકા સૌરાષ્ટ્ર ઝોનના છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ અડધો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ છે. અમરેલીના બગસરા અને ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા ૨૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

સમગ્ર ભાવનગર જિલ્લામાં વરસાદી વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં અનેક ઠેકાણે ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમા ઝરમર વરસાદ વરસ્યો છે. સવારથી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જૂનાગઢના માંગરોળ તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો માંગરોળ તાલુકામાં સવારે ૬ થી ૮ દરમિયાન ૯૧ મી.મી વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો ૨૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે, તો ખેતરો પાણીથી તરબોળ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ બાદ સવારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો છે. જેથી લોકો પણ ખુશખુશાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.