Western Times News

Gujarati News

શ્રમિક અન્નપૂર્ણા ફૂડ બૂથ્સ પરથી 1.12 કરોડ ભોજન પિરસાયાં

અન્નપૂર્ણા શ્રમિક યોજનાનો પ્રારંભ જૂન 2017માં  બાંધકામ કામદારોને ગરમ અને પોષક આહાર અત્યંત રાહતદરે આપવા માટે કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર, બાંધકામ કામદારોને અત્યંત રાહત દરે ગરમ અને પોષક આહાર આપવા માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતાં ફૂડ બૂથ પરથી 1.12 કરોડ ભોજન પિરસવામાં આવ્યાં છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે   શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ રાજ્યભરમાં કડીયા નાકાં પર 199 ફૂડબૂથનુ સંચાલન કરે છે.

શ્રી વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે “જૂન 2017માં  બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ગરમ અને પોષક આહાર પૂરા પાડવા ફૂડ બૂથ્સની શરૂઆત કરવામાં આવી હતી.  ત્યાર બાદ ભોજન દીઠ માત્ર રૂ. 10માં  1.12 કરોડથી વધુ ભોજન પિરસવામાં આવ્યાં છે. આનો અર્થ એ થયો કે દૈનિક 10,500થી વધુ ભોજન પિરસવામાં આવે છે.”

અમદાવાદમાં સૌથી વધુ (46.11 લાખ) ભોજન પિરસવામાં આવ્યાં છે. તે પછી સુરત (15.94 લાખ) વડોદરા (15.81 લાખ) અને વલસાડ (10.03 લાખ)નો  સમાવેશ થાય છે.  મિત્રા જણાવે છે કે  ભોજનની સંખ્યા 1.12 કરોડથી વધુ થઈ હોત પણ લૉકડાઉનમાં આશરે 3 માસ સુધી ફૂડ બૂથ બંધ રાખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યુ કે “આ ફૂડ બૂથ માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનને કારણે બંધ કરવામાં  આવ્યાં હતાં. તા. 18 જૂનથી 61 બૂથ ફરી શરૂ કરવામાં આવ્યાં છે. અને તે પછી 81,000થી વધુ ભોજન પિરસવામાં આવ્યાં છે. ”

ફૂડ બૂથ ફરીથી શરૂ થયા તે પછી સૌથી વધુ સંખ્યામાં ભોજન (20715) સુરતમાં પિરસવામાં આવ્યાં હતાં. તે પછી વડોદરા (18,737), અમદાવાદ(18641) અને ભાવનગર (9715)નો સમાવેશ થાય છે. “તેમણે જણાવ્યું કે અમે હવે પછીના દિવસોમાં ક્રમશઃ બાકીનાં ફૂડ બૂથ શરૂ કરવાનુ આયોજન કરી રહ્યા છીએ”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.