Western Times News

Latest News from Gujarat

સહસ્ત્ર તરૂવન ખાતે ૨૩ હજાર ચો.મી. જગ્યામાં નિર્માણ પામનાર ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

માહિતી બ્યુરો, પાટણ : પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. તા.૦૫ ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ખાતે મંદિરના શિલાન્યાસ પ્રસંગે પાટણમાં પવિત્ર પીપળાના વૃક્ષોનું મહાનુભાવો દ્વારા વાવેતર કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું ભુમિપૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના શુભ અવસર પર પાટણ ખાતે પવિત્ર પીપળાના વૃક્ષોનું આખું વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનાથી શહેરની હરિયાળીમાં વધારો થતાં વાતાવરણ શુદ્ધ થશે.

મિશન ગ્રીન પાટણ અંતર્ગત પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ સહિતની શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી કુલ ૬૫ હજાર ચોરસ મીટર જગ્યામાં નિર્માણાધિન સહસ્ત્ર તરૂવનના દ્વિતિય સોપાનમાં ૨૩ હજાર ચો.મી. કરતાં વધુ જગ્યામાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ૪,૦૮૦ પીંપળાના વૃક્ષો તથા ૧,૦૨૦ જેટલા ઉમરો અને બીલી જેવા દેશી કુળના વૃક્ષો મળી કુલ ૫,૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ પ્રસંગે પૂર્વ પંચાયત મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈ, ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ.વી.એસ.ઠક્કર, નાયબ વન સંરક્ષકશ્રી જે.જે.રાજપૂત, ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, ચીફ ઑફિસરશ્રી પાંચાભાઈ માળી સહિતના અધિકારીશ્રીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ તથા પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers