Western Times News

Gujarati News

સેટેલાઈટમાં વહેપારી પાસેથી ખંડણી માંગી હત્યાની ધમકી આપી

વહેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખંડણીખોરે વધુ ખંડણી આપવાની ધમકી આપી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ વચ્ચે પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વહેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક શરૂ થયું છે જેના પરિણામે વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જાેકે પોલીસ અધિકારીઓ આ ગેરકાયદેસર પ્રવૃતિ સામે એલર્ટ બન્યા છે અને ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેરના નહેરૂનગર ચાર રસ્તા પાસે સહજાનંદ કોલેજની પાછળ રહેતા એક વહેપારીને ખંડણીખોરે ફોન કરી પરિવારની હત્યાની ધમકી આપી ખંડણીની માંગણી કરતા વહેપારીનો પરિવાર ફફડી ઉઠયો છે આ મુદ્દે પોલીસને જાણ કરતા ખંડણીખોરે વધુ ખંડણીની માંગણી કરતા ભારે સનસનાટી મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેપારીઓ પાસેથી ખંડણી વસુલવાની ફરિયાદો વધી રહી છે શહેરના નહેરુનગર ચાર રસ્તા પાસે આવેલી સહજાનંદ કોલેજની પાછળ કેશવ રેસીડેન્સીમાં રહેતા વહેપારી સ્મિત નવનીતલાલ સોનીની નહેરુનગર ચાર રસ્તા પાસે જ મુરલીધર કોમ્પલેક્ષમાં દુકાન આવેલી છે આ દુકાનમાં તેઓ એસી નો ધંધો કરે છે..

ખાસ કરીને તેઓ ઓફિસો તથા રહેણાંકના મકાનોમાં એસી ભાડે આપી રહયા છે આ દરમિયાનમાં તા.૧૪.૭ ના રોજ તેઓ ધંધાના કામ અર્થે એસ.જી.હાઈવે પર ગયા હતા અને આ દરમિયાનમાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો ફોન કરનાર શખ્સે પોતાનું નામ પઠાણ હોવાનું કહયું હતું અને તેની પાસેથી ખંડણીની માંગણી કરી હતી ફોન પર આ શખ્સે ધમકી પણ આપી હતી કે જા ખંડણી નહી આપે તો તને અને તારા પરિવારને મારી નાંખીશુ જેના પરિણામે વહેપારી સ્મિત ગભરાઈ ગયો હતો અને તેણે તાત્કાલિક સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જઈ આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.


વહેપારી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સલામતી અનુભવવા લાગ્યો હતો પરંતુ બે દિવસ બાદ તા.૧૭મીના રોજ ફરી વખત ખંડણીખોરનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તું પોલીસ પાસે કેમ ગયો હવે હું તને નહી છોડું તેવી ધમકી આપી ડબલ ખંડણીની માંગણી કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પણ ખંડણીખોરનો ફોન આવતા વહેપારી ગભરાઈ ગયો છે આ ઉપરાંત પોલીસ ફરિયાદ નોંધાયાની તેને ખબર પડી જતાં આ કોઈ જાણ ભેદુ હોવાનું પોલીસ માની રહી છે.

સેટેલાઈટ પોલીસે વહેપારીને જે નંબર ઉપરથી ફોન આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે અને આ ફોન નંબરને ટ્રેસ કરવામાં આવી રહયો છે પોલીસ અધિકારીઓ આ ઘટનાથી ચોંકી ઉઠયા છે અને ટુંક સમયમાં જ આરોપીને ઝડપી લેવામાં આવશે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.