Western Times News

Gujarati News

બાયડમાં આકાશી ભેદી ધડાકાથી લોકોના જીવ તાળવે બંધાયા

 ધડાકાના તિવ્ર અવાજથી લોકો ઘરની બહાર દોડ્યા,અવકાશી ઘટના ટોક ઓફ ઘી ટાઉન 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા,: અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે બાયડ શહેરના આકાશમાં ગુરૂવારે બપોરના સુમારે ભેદી ધડાકો થતાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ધડાકાનો અવાજ એટલો તિવ્ર હતો કે જાણે કોઇએ અણુબોમ્બ ફેંક્યો હોય તેવો સ્થાનિક રહીશોએ અનુભવ કર્યો હતો. આ અવકાશી ઘટના અંગેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભેદી અવાજની સાથે ત્રણ સ્થળોએ મિલ્કતોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બાયડ માર્કેટ યાર્ડના સેક્રેટરી જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર બપોરના બે વાગ્યાના સમયે બનેલી ઘટનામાં ધડાકો થવાથી યાર્ડ સંકુલના ત્રીજા માળની દિવાલ એકાએક ધરાશયી થતાં નુકસાન થયું હતું

અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ મહેર થઈ રહી છે. ત્યારે બાયડ શહેરમાં આજે વિચિત્ર અવકાશી ઘટના સર્જાઈ હતી. શહેરમાં વરસાદ કે ગાજવીજ ન થતો હોવા છતાં ગુરૂવારના બપોરના સમયે આકાશમાં આંખો આંજી દે તેવા પ્રકાશ સાથે ભેદી ધડાકો થયો હતો. જેના પગલે શહેરીજનો હેબતાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ધડાકાના પ્રચંડ અવાજથી જાણે ધરતીકંપ આવ્યો હોય તેવી કંપારી થવા લાગી હતી.

ચારથી પાંચ સેકન્ડની અવકાશી ઘટનાથી લોકોના જીવ રીતસરના તાળવે બંધાઈ ગયા હતા. બપોર બાદ શહેરમાં એક જ ચર્ચા ચાલી હતી કે આવો પ્રચંડ ધડાકો ભૂતકાળમાં કોઈ વડીલોએ પણ સાંભળ્યો નથી ત્યારે આ વિચિત્ર ઘટનાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.લોકોના જણાવ્યા અનુસાર બપોરના સમયે આકાશમાં ભેદી અવાજ થતા જાણે કોઈએ અણુબોમ્બથી હુમલો કર્યો હોય તેવો અનુભવ થયો હતો જોકે પ્રચંડ વિસ્ફોટના લીધે શહેરમાં કેટલીક જગ્યાએ કાચા મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે આ ઉપરાંત ઘટના સમયે થોડીવાર પૂરતો વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.