Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરી યોગના વ્યાપક પ્રચાર કરાશે

File

સ્વસ્થ-તંદુરસ્ત રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે  યોગ-પ્રાણાયામ અનિવાર્ય:-શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા  પાંચ હજાર યોગ કોચ-યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રોનું વિતરણ 

જિલ્લા મથકોએ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ-યોગ કોચને  વિડીયો કોન્ફરન્સથી સંબોધન –સ્વસ્થ મન-સ્વસ્થ તન અને આત્માથી પરમાત્માના અનુસંધાન માટે  યોગ અદકેરૂં માધ્યમ છે:-શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ ઉત્તમ છે તેવું હવે વિશ્વ આખાએ સ્વીકાર્યુ છે. આપણી આ પ્રાચીન યોગ-સાધના આરાધનાનો વ્યાપ રાજ્યમાં ઘર-ઘર પહોચે, સૌ તન-મનથી સ્વસ્થ નિરોગી રહી આત્માથી પરમાત્માનું અનુસંધાન યોગથી કરે તેવી સ્થિતી આપણે ઊભી કરીએ એમ પણ તેમણે જિલ્લા મથકોએ રહેલા યોગ ટ્રેનર્સને વિડીયો કોન્ફરન્સથી સંબોધતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક પ્રમાણપત્રોનું વિતરણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં કર્યુ હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં ૧ર૬ યોગ કોચ અને તેના દ્વારા પાંચ હજાર યોગ ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે. આવી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા સૌ યોગ કોચ-ટ્રેનર્સને વિવિધ જિલ્લામથકોએ પ્રમાણપત્રો વિતરણ થયા હતા.

ગુજરાત દેશનું દિશાદર્શન કરતું આવ્યું છે અને આવા મોટા પ્રમાણમાં યોગ ટ્રેનર્સ-યોગ કોચના માધ્યમથી યોગ સાધનામાં જનશકિતને જોડીને સમાજ સમસ્તની સ્વસ્થતા અને આત્માથી પરમાત્મા સુધીના વ્યકિતના જોડાણમાં પણ અગ્રેસર રહેશે તેવી શ્રદ્ધા તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વસ્થ-તંદુરસ્ત જીવન માટે યોગ-સાધનાની આપણી સંસ્કૃતિ, પરંપરા અને ફિલોસોફીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી યુનોએ પણ સ્વીકારીને દર વર્ષે ર૧મી જૂનને યોગ દિવસ તરીકે મનાવી વિશ્વને યોગમય બનાવે છે. તેમણે ઉમેર્યુ કે, આપણી આ વિરાસત અને પરંપરા ભારતને જગતજનની-વિશ્વગુરૂ બનાવવાની દિશા છે અને આપણી એ ફિલસૂફી હવે વિશ્વ આખાએ સ્વીકારી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે રાજ્યમાં યોગના જન-જન સુધી પ્રસાર માટે રાજ્ય યોગ બોર્ડ કાર્યરત કરેલું છે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શીશપાલજીએ યોગ બોર્ડની પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમની વિગતો સ્વાગત પ્રવચનમાં આપી હતી.  યોગ બોર્ડના સૌ સભ્યો, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી સી.વી. સોમ તેમજ મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ. શાહ પણ ગાંધીનગરમાં આ પ્રમાણપત્ર વિતરણમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.