Western Times News

Gujarati News

રાજ્યભરમાં શ્રીકાર વર્ષા : ખેડૂતો ખુશખુશાલ

File

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી કેટલાક ગામો અલર્ટ કરાયા

ગાંધીનગર: રાજ્યમાં આજે સવાવરથી જ મોટા ભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે આજે સવારથી જ સુરત વલસાડ સહિતના જિલ્લામા ભારે વરસાદ પડી રહ્યો છે જેના પરિણામે કેટલાક નીચાણ વાળા ગામમોને ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે. આજે રાજ્યના ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ સુરેન્દ્રનગરના લખતરમાં નોધાયો છે.

સુરેન્દ્રનગરના જ વઢવાણમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના કામરેજ અને ઓલપાડમાં ૩ ઈંચ, રાજકોટના કોટડાસાંગાણી, ગોંડલ અને જસદણ, મોરબીના ટંકારા અને મોરબી, સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા અને લીંબડી, આણંદના ખંભાત, ખેડાના નડિયાદ અને સુરત શહેરમાં ૨-૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી(૧૨ ઓગસ્ટ)થી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે આગાહીની વચ્ચે આજે સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૦૯ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડા પડ્યો છે. જાંબુઘોડામા ૫ કલાકમાં ધોધમાર ૫.૪ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ છોટા ઉદેપુરના જેતપુર પાવી અને વલસાડના પારડીમાં ૨ ઇંચ ખાબક્યો છે.

અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. સૌરાષ્ટ્રભરમાં મોડી રાતે ૨ વાગ્યાથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ૪ ઈંચ, ગોંડલમાં ૪ ઈંચ, વીરપુરમાં ૩ ઈંચ, ઉપલેટામાં ૩ ઈંચ, જસદણમાં ૨ ઈંચ, લોધીકામાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ પંથકમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ૩થી ૪ ઈંચ વરસાદ પડ્યો છે. તાલુકાના ગઢાળા, ખાખીજાળીયા, મોજીરા, કેરાળા અને સેવંત્રા જેવા ગામોમાં આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી મોજ નદી બેકાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની આવક વધતાં ગઢડા ગામના કોજવે પર પાણી ફરી વળ્યું છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭-૭ ઇંચ વરસાદ અને પાવીજેતપુર-અંકલેશ્વરમાં ૫-૫ ઇંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળાઓમાં નવા નીરની આવક થઇ છે. નાંદોદ ૩ ઇંચ, ગરૂડેશ્વર ૨ ઇંચ, તિલકવાડામાં ૩ ઇંચ, ડેડીયાપાડામાં ૭ ઇંચ, સાગબારામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી પ્રમાણે જન્માષ્ટમીના શુભ દિવસે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે.

વડોદરા જિલ્લાના કરજણમાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં કરજણમાં ૩.૫ ઇંચ, વડોદરામાં ૩ ઇંચ, પાદરામાં અઢી ઇંચ, શિનોરમાં અઢી ઇંચ, પાદરામાં અઢી ઇંચ વાઘોડિયામાં ૨ ઇંચ, ડભોઇમાં ૨ ઇંચ અને સાવલીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજવા ડેમની સપાટી વધીને ૨૦૯.૦૫ ફૂટ ઉપર પહોંચી છે. જોકે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને ૯.૫૦ ફૂટ થઇ છે. દેવ નદીની સપાટી ૮૮.૧૦ મીટરે પહોંચી છે. વડોદરામાં ગોરવા, લક્ષ્મીપુરા, વાઘોડિયા, વારસીયા, માંજલપુર અને વિજયનગર સહિત ૧૦ જેટલા સ્થળો વૃક્ષો ધરાશાયી થયા હતા.

જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૫ ઇંચ, હાંસોટમાં ૪.૫ ઇંચ, નેત્રંગમાં ૪ ઇંચ, ભરૂચમાં ૩.૫ ઇંચ, ઝઘડિયામાં ૩ ઇંચ, વાગરામાં ૩ ઇંચ, વાલિયામાં ૨ ઇંચ, આમોદમાં ૨ ઇંચ અને જંબુસરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.