Western Times News

Latest News from Gujarat

હિંમતનગર રેલવે સ્ટેશન પર ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર ભરેલી રેક આવી

જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી હર્ષ સાથે વધામણી કરી કૃષક ભારતી કો-ઓપરેટીવ લી.  દ્વારા હજીરાથી ૬૭ હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો આવતા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ખેડૂતોને લાભ મળશે.

ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ૧૦ મી ઓગસ્ટે  માન્યતા  મળતા માત્ર ચાર દિવસ બાદ  ૧૪ ઓગસ્ટે ખેડૂતોના હિતાર્થે કૃભકો દ્વારા ત્રણ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો એટલે કે ૬૭ હજાર બોરી યુરિયાનો જથ્થો હિંમતનગર રેલવે સ્ટેશને રેકમાં આવી પહોંચતા જિલ્લા કલેકટર સી. જે. પટેલે શ્રીફળ વધેરી હર્ષ સાથે ખેડૂતોની ખુશીને વધાવી હતી. આ પ્રસંગે કૃભકોના ડાયરેક્ટર શ્રી પરેશભાઈ પટેલ સાબરકાંઠા ડીસ્ટ્રીક બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તથા ખેતીવાડી અધિકારી અને અગ્રણીઓ સૌએ હાજર રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્રારા કેંદ્ર અને રાજ્ય સરકારની પહેલને આવકારી હતી.

આ રેક  સૌપ્રથમ ડીસા-પાલનપુર અને ત્રીજા તબક્કામાં હિંમતનગર રેક પોઇન્ટ પર આવી પહોંચતા સાબરકાંઠા અરવલ્લી ખેડૂતોને ખાતર સરળતાથી ઘર આંગણે મળી રહેશે. પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ખેડૂતોની આવક બમણી કરવાનું છે તેમાં આ કદમ ઉપયોગી નીવડશે અને ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થશે.  આ સવલતથી દર મહિને બે થી ત્રણ રેક ખાતર ખેડૂતોને મળશે. પહેલા ખાતરનાં કાળા બજાર હવે બંધ થશે અને ખેડુતોને વાજબી ભાવે ખાતર મળી રહેશે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની ખાતરની માંગણીનો પ્રશ્ન હલ થયો.
મનુભાઈ નાયી,પ્રાંતીજ.